સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લીજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અગાઉની અટકળોને સાચી ઠેરવતા સોની પિક્ચર્સે મધુબાલાની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.
આલિયા ભટ્ટને ‘ડાર્લિંગ્સ’માં ડાયરેક્ટ કરનારા જસમીત કે રીનને દિગ્દર્શનની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન્સ-ઈન્ડિયા દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. સોની પિક્ચર્સ અને બ્રૂઈંગ થોટ્સ ભેગા મળી શક્તિમાન ટ્રાયોલોજી બનાવી રહ્યા છે. મધુબાલાની બાયોપિકમાં પણ તેઓ કો-પ્રોડ્યુસર તરીકે સંકળાયેલા રહેશે.
મધુબાલાની સુંદરતાને તાજમહેલ સાથે સરખાવવામાં આવતી હતી અને ઘણાં લોકો તેમને ભારતીય મેરલિન મનરો પણ કહેતા હતા. માત્ર 36 વર્ષની વયે નિધન પામેલા મધુબાલાએ ફિલ્મોમાં અપાર લોકપ્રિયતા મેળવી હતી. સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ નહીં હોવા છતાં મધુબાલાના ચાહકો દુનિયાભરમાં પથરાયેલા હતા. અંગત જીવનમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા મધુબાલાએ પોતાની તકલીફો દુનિયાથી છુપાવીને રાખી હતી. મધુબાલાના જીવન આધારિત બાયોપિકનું કામ હજુ સ્ક્રિપ્ટિંગના તબક્કામાં છે.