સ્કોટિશ મહિલા નેતાએ કોરોના મહામારીની શરૂઆતના સમયમાં પોતે કોવિડ-19ના સંક્રમણથી પોઝિટિવ હોવા છતાં લંડનથી ગ્લાસગો સુધીની ટ્રેન મુસાફરી કરી હતી.
હવે તે સાંસદ હાઉસ ઓફ કોમન્સમાં 30 દિવસ માટે સસ્પેન્ડ થાય તેવી અટકળો છે, તેવું ધ ગાર્ડિયનના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સંસદની શિસ્ત સમિતિએ જણાવ્યું હતું કે, માર્ગારેટ ફેરિયરે સંસદની ગરિમાને નુકસાન પહોંચાડ્યું છે અને ટ્રેનમાં મુસાફરી કરીને લોકોને જોખમમાં મુક્યા હતા. જો હાઉસ ઓફ કોમન્સમાં મતદાન દ્વારા તેમને સજા આપવા માટે સહમતિ સધાશે તો તેમની બેઠક પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. માર્ગારેટ 2017ની ચૂંટણીમાં વિજેતા થયા હતા.
સ્કોટિશ નેશનલ પાર્ટીના સાંસદ ફેરિયર 5230 મતથી ચૂંટણીમાં વિજેતા થયા હતા. તેમના લેબર પાર્ટીના હરિફ બીજા ક્રમે હતા. તેમણે કોવિડના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સ્વીકાર્યું હતું અને પોતાની પાર્ટીનો વ્હીપ પણ ગુમાવ્યો હતો. તેમને 270 કલાકની સામુદાયિક સેવા કરવાની સજા પણ કરવામાં આવી હતી, તેવું ગાર્ડિયનના રીપોર્ટમાં જણાવ્યું હતું.
બીબીસીના જણાવ્યા પ્રમાણે માર્ગારેટ ફેરિયરે સપ્ટેમ્બર 2020માં કોવિડ ટેસ્ટ કરીને અને ટ્રેનની મુસાફરી શરૂ કરતા પહેલા સંસદમાં આ વાત જણાવી હતી. પોતે કોવિડ પોઝિટિવ છે તે જણાવ્યું હોવા છતાં તેમણે મુસાફરી કરી હતી.
સંસદમાંથી હકાલપટ્ટીની પ્રક્રિયા મુજબ હાઉસ ઓફ કોમન્સમાં ઓછામાં ઓછા 10 દિવસ સુધી સસ્પેન્ડ કરાયેલા કોઇ પણ સાંસદને પરત લેવામાં આવી શકે છે. જો તેમના મતવિસ્તારમાં નોંધાયેલા ઓછામાં ઓછા દસ ટકા મતદારો એક અરજી પર હસ્તાક્ષર કરે તો ત્યાં પેટાચૂંટણી કરાવવામાં આવે છે.
આ અંગેની તપાસ પાર્લામેન્ટરી કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સ ડેનિયલ ગ્રીનબર્ગે કરી હતી. બીબીસીના રીપોર્ટ મુજબ તેમણે એવું તારણ કાઢ્યું હતું કે, ફેરિયરે પોતાને આઇસોલેશનમાં નહીં રાખીને લોકહિતને બદલે વ્યક્તિગત હિતને વધુ પ્રાથમિકતા આપી હતી.