અમેરિકાના ફેડરલ જજે લેખિકા ઇ. જીન કેરોલના સિવિલ કેસમાં નવેસરથી સુનાવણીની ડોનાલ્ડ ટ્રમ્પની અપીલ ફગાવી દીધી છે. આ કેસમાં જ્યુરીએ કેરોલની તરફેણમાં ચુકાદો આપતા તેને 83.3 મિલિયન ડૉલરનું વળતર ચૂકવવા ટ્રમ્પને આદેશ આપ્યો હતો. જ્યુરીએ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટને જાન્યુઆરીમાં કેરોલની બદનક્ષી બદલ દોષિત ઠરાવ્યા હતા. ન્યાયાધીશે સાથે જ કેસમાં નુકસાનીપેટે ચુકવવાની રકમ અટકાવવાની અરજી પણ ફગાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે કેરોલની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનની તુલનામાં તે રકમ ખુબ જ વધારે છે.
અમેરિકાના જિલ્લા જજ લેવિસ કેપ્લાને આઠ પાનાના ચુકાદામાં ગુરુવારે કહ્યું હતું કે, ટ્રમ્પની આ દલીલ કાયદા અને હકીકત બંનેના આધારે મેરિટ વિનાની છે. મેગેઝિનના પૂર્વ કોલમિસ્ટ કેરોલે આરોપ લગાવ્યો હતો કે 1990ના દાયકામાં બર્ગડોર્ફ ગુડમેન ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં ટ્રમ્પે તેની પર જાતીય હુમલો કર્યો હતો અને મેં લગાવેલા આરોપોને નકાર્યા બાદ તેમણે મારી બદનામી કરી હતી. મે 2023માં જ્યુરીએ ટ્રમ્પને કેરોલનું જાતીય શોષણ કરવા માટે દોષી જાહેર કર્યા હતા અને ચાલુ મહિનાની શરૂઆતમાં જ્યુરીએ ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે કેરોલની બદનક્ષી કરવા બદલ તેમને શિક્ષાત્મક નુકસાની બદલ 65 મિલિયન ડૉલર અને 18 મિલિયન ડૉલર વળતર પેટે ચુકવવા પડશે.
પોતાના પ્રતિભાવમાં ટ્રમ્પે 91.6 મિલિયન ડૉલરનો બોન્ડ પોસ્ટ કરીને પોતાની સામેના ચુકાદાને પડકારવાનું પ્રણ લીધું હતું. કેપ્લાને પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, મિસ્ટર ટ્રમ્પની કાનૂની ટીમે કેરોલને બદનક્ષીના કેસમાં વધારે પડતું વળતર આપવાનું ફરમાવાયું છે. જોકે, જજ કેપ્લાને આ દાવો ફગાવી દીધો હતો.