કેરળ સરકારના 27 સભ્યોના પ્રતિનિધિમંડળમાં સામેલ એક ખેડૂત ઇઝરાયેલમાં ગુમ થઈ ગયા છે. રાજ્ય સરકારને આને શરમજનક ઘટના ગણાવી છે. રાજ્યના કૃષિ સચિવ બી અશોકના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળના ભાગરૂપે 48 વર્ષીય ખેડૂત બિજુ કુરિયન ચાર દિવસ પહેલા ઇઝરાયેલ પહોંચ્યો હતો અને તે શુક્રવારે ઇઝરાયેલના હર્ઝલિયા શહેરની એક હોટલમાંથી ગુમ થયો હતો. કૃષિ સચિવે બાદમાં ભારતીય દૂતાવાસને જાણ કરી હતી અને ઇઝરાયેલમાં પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પ્રતિનિમંડળ કૃષિની નવી ટેકનિકનો અભ્યાસ કરવા માટે ઇઝરાયેલ ગયું હતું. જોકે રવિવારે આ ખેડૂતે કન્નુર જિલ્લામાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તે ઈઝરાયેલમાં સુરક્ષિત છે અને તેની શોધખોળ ન કરવી. પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે કુરિયનના વિઝા 8 મે સુધી માન્ય છે અને તે દેશમાં “ગેરકાયદેસર રીતે સ્થાયી” થવા માટે જૂથમાંથી ભાગી ગયો હતો.