અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક પરિવારે ટેકનોલોજી કંપની-ગૂગલ પર બેદરકારીનો આરોપ મુકીને કેસ કર્યો છે. પરિવારનો આરોપ છે કે તેમના પરિવારના એક સભ્ય ફિલિપ પેક્સનનું ગૂગલ મેપનો અનુસરતી વેળાએ બ્રિજ પરથી પડવાથી મૃત્યુ થયું હતું. તાજેતરમાં દાખલ કરાયેલા આ કેસમાં જણાવાયું છે કે, બે બાળકોના પિતા અને મેડિકલ કંપનીના સેલ્સમેન ફિલિપ પેક્સન ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમની પુત્રીના નવમા જન્મ દિનની ઉજવણી કરવા માટે ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા રસ્તા પરથી ડ્રાઇવિંગ કરતી વખતે તેમણે ગૂગલ મેપની મદદ લીધી. ગૂગલ મેપને અનુસરતી વખતે, પેક્સન એક તૂટેલા બ્રિજ પર પહોંચ્યા હતા, જેના પર તેમની જીપ ગ્લેડીયેટર નોર્થ કેરોલિનાના હિકોરીમાં સ્નો ક્રીકમાં અંદાજે 20 ફૂટ નીચે પડી હતી.
પરિવારનો દાવો છે કે ગૂગલને ખબર હતી કે બ્રિજ પાંચ વર્ષથી તૂટી ગયો હતો, પરંતુ કંપનીએ તેની નેવિગેશન સીસ્ટમ અપડેટ કરી ન હતી, જેના કારણે ફિલિપ પેક્સનનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો હતો તે રસ્તા પર સલામતી માટે કોઈ સૂચના પણ આપી નહોતી.
કેસમાં કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીઓના નામ પણ આપવામાં આવ્યા છે, જે બ્રિજ અને આસપાસની જમીન સંબંધિત કાર્યવાહી માટે જવાબદાર છે. એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, પેક્સનના મૃત્યુ પહેલા લોકોએ ગૂગલ મેપને બ્રિજ તૂટી પડવાની માહિતી આપી હતી અને તેને અપડેટ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કંપનીએ તેને ધ્યાનમાં લીધો નહોતી.
ફરિયાદમાં હિકોરીના રહેવાસીનો એક ઈમેઇલ પણ સામેલ છે જેણે સપ્ટેમ્બર 2020માં તૂટી ગયેલા બ્રિજ અંગે ગૂગલ મેપને સૂચના આપી હતી. ગૂગલનો નવેમ્બર 2020નો ઈમેઈલ પુષ્ટિ કરે છે કે કંપનીને રીપોર્ટ મળ્યો છે અને તેમાં સૂચવેલા ફેરફારોની સમીક્ષા કરી રહી છે, પરંતુ કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગૂગલે આગળ કોઈ કાર્યવાહી કરી નથી.
ગૂગલના પ્રવક્તા જોસ કાસ્ટાનેતાએ ન્યૂઝ એજન્સી-એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, અમારો લક્ષ્યાંક મેપમાં માર્ગની ચોક્કસ માહિતી આપવાનો છે અને અમે આ કેસની સમીક્ષા કરી રહ્યા છીએ.