એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, વજન ઘટાડવાથી ટાઇપ 2 ડાયાબિટીઝમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે મુક્તિ મળી શકે છે અથવા તો નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીઝ યુકે દ્વારા આપવામાં આવેલા ભંડોળથી કરવામાં આવેલા આ અભ્યાસના તારણોમાં જણાયું છે કે, લગભગ 25 ટકા લોકો કે જેમણે ઓછી કેલરીયુક્ત “સૂપ અને શેઇક”નો આહાર શરૂ કર્યાના બે વર્ષ પછી ડાયાબિટીઝમાંથી મુક્તિ મેળવી હતી, આવા આહારને કારણે તેના ત્રણ વર્ષ પછી પણ તેમનું ડાયાબિટીઝ નિયંત્રણમાં હતું.
આ ગ્રુપના લોકોએ પાંચ વર્ષમાં સરેરાશ નવ કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું, તેમને હવે બ્લડ સુગરને સ્તરને જાળવવા માટે દવા લેવાની જરૂર નહોતી જણાઇ.
સંશોધનના ડેટા સૂચવે છે કે, વજન ઘટાડવાથી અને તેને વધતું અટકાવવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહી શકે છે. મેદસ્વીતાને ટાઇપ 2 ડાયાબિટીઝ માટે મુખ્ય જવાબદાર કારણ માનવામાં આવે છે, સ્થૂળતા ધરાવતા લોકોમાં આ સ્થિતિ વધવાની સંભાવના 80 ગણી વધારે હોય છે. આ ઉપરાંત ટાઇપ 2 ડાયાબિટીઝ થવાના જોખમમાં 80થી 85 ટકા મેદસ્વીતા જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
ડાયાબિટીઝ રેમિશન ક્લિનિકલ ટ્રાયલ (DiRECT) અભ્યાસમાં અડધા લોકોને હેલ્થ પ્રોફેશનલ્સના માર્ગદર્શન સાથે ઓછી કેલરીયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. આ આહારમાં 12થી 20 અઠવાડિયાની વચ્ચે ઓછી કેલરી, પોષકયુક્ત સંપૂર્ણ સૂપ અને શેઇક (દિવસમાં લગભગ 800 કેલરી)નો સમાવેશ થાય છે. દર્દીઓને નર્સ અથવા ડાયેટિશિયન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનાથી તેમને આરોગ્યપ્રદ ભોજન ફરી આપવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી હતી.
સંશોધનમાં જણાયું હતું કે, જે લોકો સ્વસ્થતાથી વજન જાળવી શક્યા હતા તેમને રાહત મળવાની શક્યતા વધુ હતી, જ્યારે જે લોકોને રાહત નહોતી મળી તેમનું વજન ફરીથી વધી ગયું હતું.
જાન્યુઆરીમાં, NHSએ જાહેરાત કરી હતી કે સૂપ અને શેઇકની આહાર યોજનાને ઇંગ્લેન્ડના વધુ 11 વિસ્તારોમાં વિકસાવવામાં આવશે. સૂપ અને શેઇકનો આહાર એ વિશેષમાં તો ટાઇપ 2 ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે NHSનો આહાર છે. લોકોએ હેલ્થ પ્રોફેશનલ્સની સૂચના મુજબ આહાર લીધો હતો. તમારા ડોક્ટરની સલાહ લીધા વગર તે લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં.
ડાયાબિટીસ યુકેનાં રીસર્ચ ડાયરેક્ટર ડો. એલિઝાબેથ રોબર્ટસને જણાવ્યું હતું કે, “DiRECTના નવા તારણોએ ખાતરી કરી છે કે કેટલાક લોકો માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ડાયાબિટીઝથી મુક્ત રહેવું શક્ય છે. જે લોકોને ટાઇપ 2 ડાયાબિટીસથી રાહત મળી છે તેમના માટે તે જીવન બદલનાર બની શકે છે, અને તે ભવિષ્યમાં તંદુરસ્ત જીવન જીવવાની વધુ સારી તક આપે છે.
“જ્યારે જે લોકો મુક્તિ મેળવી શક્યા નથી, તેમને વજન ઘટાડવાથી હજુ પણ આરોગ્યના મોટા લાભો મળી શકે છે, જેમાં બ્લડ સુગરના સ્તરમાં સુધારો થાય છે અને હાર્ટ એટેક તેમ જ સ્ટ્રોક જેવી ગંભીર ડાયાબિટીસઝની સમસ્યા થવાનું જોખમ ઓછું થાય છે.”