નેપાળમાં શુક્રવારે મધરાતે 6.4ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવતા 154 લોકોના મોત થયા હતા અને 140થી વધુ લોકો ઘાયલ થયા હતા. નેપાળમાં આ ભૂકંપના કારણે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હતા અને અનેક મકાનો ધરાશાયી થયા હતા. નેપાળ પોલીસ અને નેપાળની સેના રાહત કાર્ય કરી રહી છે અને આશંકા છે કે ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. નેપાળના ભૂકંપમાં મદદ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારને શક્ય તમામ મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધુ તબાહી જાજરકોટ અને રુકુમ જિલ્લામાં થઈ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ સેન્ટરના જણાવ્યા મુજબ રાત્રે 12:08 વાગ્યે 4.5 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. થોડીવાર પછી 4.2 તીવ્રતા, 12:35 વાગ્યે 4.3 અને સવારે 4:16 વાગ્યે 4.6 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. બીજા ભૂકંપ અને મકાનોને સંભવિત નુકસાનના ભયથી ઘણા લોકો રાતભર બહાર રહ્યા હતા. સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુજબ અંધારામાં ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાંથી લોકો એકબીજાને બહાર કાઢી રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ શનિવારે નેપાળમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ભારત તેના પાડોશી દેશ સાથે ઊભું છે અને તેને તમામ સંભવિત સુવિધાઓ પૂરી પાડવા માટે તૈયાર છે.

LEAVE A REPLY