A colorful start to the Football World Cup in Qatar
REUTERS/Fabrizio Bensch

કતારમાં 22મા ફૂટબોલ વર્લ્ડકપનો રંગારંગ પ્રારંભ થયો હતો. ગીત-સંગીતની સાથે કલાકારોના મનમોહક પર્ફોમન્સ અને રોશનીના ઝગમગાટ વચ્ચે અલ-ખોરમાં આવેલા અલ બેત સ્ટેડિયમમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભને વિશ્વભરના ફૂટબોલ ચાહકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં વાઇસ પ્રેસિડન્ટ જગદીપ ધનખડ સામેલ થઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
કતારના રાજવી પરીવારની સાથે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ, જોર્ડનના કિંગ તેમજ તુર્કી, અલ્જેરિયા અને ઈજીપ્તના રાષ્ટ્રપ્રમુખની હાજરી ફુટબોલ મહાકંભનો પ્રારંભ થયો હતો. ફિફાના વડા ઈન્ફાટિનોની સાથે અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાઉથ કોરિયન પોપ બેન્ડના સિંગર જુંગ કૂકે આકર્ષણ જમાવ્યું હતુ. અમેરિકન અભિનેતા મોર્ગન ફ્રિમેને પણ પર્ફોમન્સ આપી સૌના દિલ જીતી લીધા હતા.

ટુર્નામેન્ટમાં કુલ 32 દેશો ભાગ લઈ રહ્યા છે, જેમને આઠ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ મેચ યજમાન કતાર અને ઈક્વાડરો વચ્ચે રમાઇ હતી, જેમાં ઇક્વાડોરનો વિજય થયો હતો. આ વખતે 32 ટીમો ભાગ લેશે. રોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલની મેચ ૯ ડિસેમ્બરથી, સેમિફાઈનલ ૧૪ ડિસેમ્બરથી ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે અને ફાઇનલ ૧૮ ડિસેમ્બરે રમાશે.

ફિફાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મુસ્લિમ રાષ્ટ્રમાં ફૂટબોલ વિશ્વ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને પગલે કતાર સામે સફળ આયોજનનો પડકાર રહેલો છે. કતારે છેલ્લી ઘડીએ નિયમોમાં બદલાવ કર્યો હતો અને સ્ટેડિયમમાં આલ્કોહોલ બિઅર વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત મહિલા દર્શકો માટે પગ દેખાય નહીં તેવા વસ્ત્રો પહેરવા પણ ફરમાન કરાયું હતું. અંતિમ પળે આકરા નિયમોની સ્પષ્ટતાથી દર્શકોમાં નારાજગી જોવા મળી હતી. જો કે સ્ટેડિયમમાં નોન આલ્કોહોલિક બિઅરની છૂટ આપવામાં આવી છે.

વર્લ્ડ કપના સત્તાવાર પ્રારંભ અગાઉ કતારના આયોજકો દ્વારા નીતિ નિયમોમાં કરાયેલા બદલાવને લઈને ભારે કાગારોળ મચી હતી તેવામાં હવે વધુ એક આક્ષેપ ઉઠતા આ વર્ષનો ફૂટબોલ વર્લ્ડ કપ ભારે વિવાદમાં આવ્યો હતો. એક રિપોર્ટ મુજબ 22માં ફિફા વર્લ્ડ કપમાં ફિક્સિંગનો ગંભીર આક્ષેપ થયો છે. એક અહેવાલ મુજબ ઈક્વાડોરની ટીમને લાંચની ઓફર થઈ હતી. બ્રિટિશ મીડલ ઈસ્ટ સેન્ટર ફોર સ્ટડીઝ અને રિસર્ચના પ્રાદેશિક ડાયરેક્ટર અમજદ તાહાના મતે કતારે હરીફ ખેલાડીઓને લાંચ ઓફર કરી છે. તાહાના મતે કતારે ઈક્વાડોરના આઠ ખેલાડીઓને ફિક્સ કર્યા હતા.

કતારે આશા વ્યક્ત કરી છે કે આ વર્લ્ડ કપ ઘણો જ સફળ રહેશે. કતારને આશા છે કે 29 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં એક મિલિયનથી વધારે ફૂટબોલ પ્રેમીઓ દેશની મુલાકાત લેશે.

વિશ્વના ટોચના ફૂટબોલ સ્ટાર્સ વચ્ચેનો રોચક મુકાબલો ચાહકો જોશે.આ વર્લ્ડકપ અગાઉ માનવ અધિકાર ભંગના એક કરતા વધુ કારણોને લીધે વૈશ્વિક હોબાળો પણ મચ્યો હતો. કતારમાં ૬૦ જ કિલોમીટરની ત્રિજીયામાં આઠ સ્ટેડિયમ તો નિર્માણ પામ્યા જ છે પણ તેના નિર્માણ દરમ્યાન ભારતના કેરાલા સહિત અન્ય દેશના ૬,૫૦૦ જેટલાં શ્રમિકો પણ મૃત્યુ પામ્યા હોઈ માનવ અધિકાર સંસ્થાઓ ઠેર ઠેર બેનર સાથે વૈશ્વિક બહિષ્કારનો પ્રચાર કરી રહી છે.

કતારમાં મહિલાઓના પહેરવેશ પર તો નિયંત્રણ છે જ પણ સજાતિય સબંધ રાખતા સમુદાય પણ માન્ય નથી. કતારની સરકારે ચુસ્તપણે તેમના દેશના કાયદા અને નીતિ વિષયક દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે જેના લીધે પ્રવાસીઓ અને વૈશ્વિક હયુમન રાઈટ્સ સંસ્થાઓ ભારે નારાજ છે. જુદા જુદા સંગઠનોએ ફૂટબોલ વિશ્વ મહાસંઘ (ફીફા) અને યુનાઇટેડ નેશન્સ સુધી રીપોર્ટ મોકલ્યા છે.

વર્લ્ડકપમાં સૌથી વધુ બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. બ્રાઝિલ એક માત્ર દેશ છે જેણે અત્યાર સુધીના તમામ ૨૧ વર્લ્ડકપમાં ભાગ લીધો છે. ઈટાલી અને જર્મનીએ ૪-૪ વખત, વર્તમાન ચેમ્પિયન ફ્રાંસ, આર્જેન્ટિના અને ઉરૂગ્વે બે-બે વખત અને ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ચેમ્પિયન બન્યા છે. આ વખતે ઈટાલી, સ્વીડન, ચીલી, ઈજપ્ત જેવી ટીમ ક્વોલિફાય નથી થઈ શકી.

કયા ગ્રૂપમાં કઈ ટીમ

ગ્રુપ એ: કતાર, એક્યુડોર, સેનેગલ, નેધરલેન્ડસ

ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઈરાન, યુએસ., વેલ્સ

ગ્રુપ સી: આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો, પોલેન્ડ

ગ્રુપ ડી: ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ટયુનિશીયા

ગ્રુપ ઈ: સ્પેન, કોસ્ટા રીકા, જર્મની, જાપાન

ગ્રુપ એફ: બેલ્જીયમ, કેનેડા, મોરોક્કો, ક્રોએશિયા

ગ્રુપ જી: બ્રાઝિલ, સર્બિયા, સ્વિત્ઝર્લેન્ડ, કેમરૂન

ગ્રુપ એચ: પોર્ટુગલ, ઘાના, ઉરૂગ્વે, સાઉથ કોરિયા

LEAVE A REPLY