પૂજ્ય મોરારીબાપુ દ્વારા
મારાં ભાઈ-બહેનો, આપણા દેશના ઋષિઓની અંત:કરણની પાવન વૃત્તિએ કામને ‘દેવ’ કહી દીધો છે. આ શબ્દ ઘણુબધું ઉદ્દઘાટિત કરી દે છે. વાત્સ્યાયન આદી મહાપુરુષોએ જે ‘કામસૂત્ર’ આપ્યું છે, એ અદ્દભુત છે; હું મારી જવાબદારી સાથે કહી રહ્યો છું; પરંતુ એમાં વર્ણનનો અતિરેક છે. તમારું ચિત્ત સમ્યક્ હોય તો વાંધો નહીં, અન્યથા ગરબડ થઈ શકે છે. કામ દુનિયાની એક મહાન ઉર્જા છે અને એથી હું અહીં દર્શન શબ્દ વાપરી રહ્યો છું કે આ કથાનો કેન્દ્રીય વિષય -’કામદર્શન’ રહશે. આવો આ સંદર્ભમાં એક દૃષ્ટાંત આપું.
એક શહેરમાં રહેતા ભિખારીની આ વાત છે. નાનું શહેર અને તેમાં તેનો ભિક્ષા માંગવા જવાનો વિસ્તાર પણ લગભગ નક્કી. દરરોજ એ પોતાના વિસ્તારમાં જાય અને શાંતિથી જુદાં જુદાં ઘરની બહાર ઉભો રહી ભિક્ષા માંગે. આ તો માંગીને ખાવાનું કામ. ક્યારેક પુરતી ભિક્ષા મળે તો કયારેક ન પણ મળે પરંતુ આ ભિક્ષુક સંતોષી વ્યક્તિ હતો. તે સમજતો હતો કે ભિક્ષા માંગવી અને ગુજરાન ચલાવવા માટે જુદા જુદાં લોકો પર નિર્ભર રહેવું પડે. બધા દર વખતે હકારાત્મક જ હોય તેવું ન પણ બને એટલે શાંતિથી અને ધીરજથી કામ લેવું. આમ તેનો જીવનનિર્વાહ થયા કરતો. શહેરના નક્કી વિસ્તારમાંથી રોજ ભિક્ષા લેવી તેવો તેનો ક્રમ. એક દિવસ તે ભિક્ષા લેવા ગયો છે. તેણે જોયું કે આજે અહીં કોઈ નવા જ લોકો રહેવા આવ્યા છે. એ વાત પણ સ્વાભાવિક છે કારણ કે મોટા શહેરમાં લોકોની આવન-જાવન થાય એ કોઈ નવી વાત ન કહેવાય. અને તે પાછો આવી બાબતોથી ટેવાયેલો હતો એટલે એણે ટહેલ નાખી છે. બહેન, બાપા, જમવાનું આપજો. એ ઘરની બહેન પણ ભલા સ્વભાવની હશે એટલે તેણે આ ભિક્ષુકને ખુબ આદરપૂર્વક ભોજન આપ્યું છે.
આવું સરસ ભોજન કરી તે ભિક્ષુક ગલીને નાકે એક વૃક્ષની નીચે બે ઘડી આડો પડ્યો છે. એટલામાં તેને એક બીજા બહેને બોલાવ્યો છે. કહ્યું: ‘ભાઈ, આવ, તને ભિક્ષા આપું.’
‘અરે બહેન, તમારો આભાર, મેં ભરપેટ ખાઈ લીધું છે.’ ભિક્ષુકે કહ્યું. તો પડોશી બહેને કહ્યું કે, ‘હું તને રોટી નહીં આપું, પરંતુ તે જે ખાઈ લીધું છે એને પચાવવાની ઔષધિ આપીશ…’
મારાં ભાઈ-બહેનો, આ જરૂરી છે. આપણે આ કથામાં ‘માનસ-કામદર્શન’ વિષય અંતર્ગત સંવાદ કરીએ છીએ. તુલસીજીએ ‘માનસ’માં કહ્યું છે-
तात तिनि अति प्रबल खल काम क्रोध अरु लोभ |
કામ, ક્રોધ અને લોભ એ ખલ છે. આ ત્રણેયને આપણે જોઈએ તો કોઈની પાછળ ‘દેવ’ શબ્દ લાગ્યો છે ? ‘ક્રોધદેવ’ કે ‘લોભદેવ’ એમ કોઈ કહે છે ? માત્ર કામની પાછળ ‘દેવ’ શબ્દ લાગ્યો છે. કામ એટલે ઈચ્છા. ઈચ્છાનો અતિરેક માણસને કામી બનાવી દે છે. નાના એવા કામની તાકાત ગજબ છે! ઘોડા ગમે તેવા તોફાની હોય પરંતુ સારથી બરાબર હોય તો ચિંતા નહીં. તમે સીધું કામસૂત્ર વાંચો તો મુશ્કેલી થઇ જશે. માનો કે આપણે ખુબ ખાઈ લઈએ તો અન્નનો અતિરેક વમન કરી શકે છે, એ જ પ્રમાણે ખુબ કામને ભોગવી લઈએ તો કામનો અતિરેક પણ વમન કરી શકે છે.
એથી સમ્યક્તા જરૂરી છે. એટલે હું કહું છું કે જો જીવનમાં કામ ભરપેટ ભોગવી લીધો હોય તો ઔષધિ લેવી જોઈએ. તુલસીની ઔષધિ કઈ છે?
जासु नाम भव भेषज हरन घोर त्रय सुल |
सो कृपाल मोहि तो पर सदा रहउ अनुकूल ||
હરિનામ; આજે નહીં તો કાલે કબુલ કરવું પડશે કે એ એક માત્ર ઔષધિ છે. કામ રસ છે તો રામ મહારસ છે. સત્સંગથી ખલ પણ ધીરેધીરે ભલ થઈ શકે છે. તુલસીનું કામદર્શન એ ઔષધદાન છે.
સંકલન: જયદેવ માંકડ
(માનસ-કામદર્શન, ખજુરાહો,૨૦૧૪)