ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢમાં મજવડી ગેટ પર જમીન પર અતિક્રમણ કરતી દરગાહને સ્થાનિક વહીવટીતંત્રે શનિવારે મોડી રાત્રે તોડી પાડી હતી. આ ડિમોલિશન ઓપરેશન રાત્રે 2 વાગ્યે શરૂ થયું હતું અને સવારે લગભગ 5 વાગ્યે પૂરું થયું હતું. આ કાર્યવાહી દરમિયાન આશરે 1000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા હતાં. દરગાહ ઉપરાંત જૂનાગઢમાં અલગ-અલગ જગ્યાએ બનેલા બે ગેરકાયદેસર મંદિરો પણ દૂર કરાયાં હતાં.
ગયા વર્ષે જૂન મહિનામાં દરગાહને હટાવવાનો પ્રયાસ થયો ત્યારે મુસ્લિમોનું ટોળું ધસી આવ્યું હતું અને પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાએ ધાર્મિક સ્થળોના નામે થયેલા દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. મજેવડી ગેટ પાસે આવેલી દરગાહ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી અને સત્તાવાળાએ તેને હટાવવા માટે જૂન 2023માં નોટિસ આપી હતી. પરંતુ નોટિસ મળતાની સાથે જ મુસ્લિમોનું ટોળું દરગાહ પાસે એકઠું થવા લાગ્યું હતું. રાત્રે પોલીસ તેમને સમજાવવા ગઈ ત્યારે મુસ્લિમ ટોળાએ પોલીસ કર્મચારીઓ પર ઉગ્ર હુમલો કર્યો હતો જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
આની સાથે શહેરના તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિરનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પોલીસે રાતે બે વાગ્યે ગેરકાયદે દરગાહને તોડી પાડી હતી અને આ કામ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.