ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બુધવારે ફટકો પડ્યો હતો. પાર્ટીના ધારાસભ્ય ભૂપેત ભાયાણીએ બુધવારે રાજ્યની વિધાનસભાના સભ્ય અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે AAP લોકોની સેવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના AAPના કાર્યકર તરીકે પણ રાજીનામું આપ્યું છે અને ટૂંક સમયમાં સત્તારૂઢ ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ભૂપત ભાયાણીએ સવારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ગુજરાત વિધાનસભાના સચિવ ડીએમ પટેલે જણાવ્યું હતું કે, સ્પીકરે ભાયાણીનું રાજીનામું સ્વીકારી લીધું છે.
ભુપત ભાયાણી ગયા વર્ષની રાજ્ય ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (AAP)ના પાંચ ધારાસભ્યો પૈકીના એક હતા. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ દાવો કર્યો હતો કે ભાજપે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા ભાયાણી પર દબાણ કર્યું હતું.