અમેરિકાની સેનેટની ઇન્ડિયા કોકસે ભારતને નાટો-પ્લસ દેશમાં સામેલ કરવાની દરખાસ્ત કરતું એક બિલ રજૂ કરવાની યોજના બનાવી છે. જો ભારત નાટો પ્લસ ગ્રૂપનો સભ્ય દેશ બને તો ભારતને કોઇપણ અવરોધ વગર અમેરિકા પાસેથી ટોચની ટેકનોલોજી અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ મળી શકે છે. હાલમાં નાટો પ્લસ-5માં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, ઇઝરાયેલ અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. વગદાર સેનેટર માર્ક વોર્નરે જણાવ્યું હતું કે તેમના અને સેનેટર જોહન કોર્નિના સહ-અધ્યક્ષતા સાથેની ઇન્ડિયા કોકસ એક સ્વતંત્ર બિલ તથા ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટમાં સુધારો કરતું બિલ આ સપ્તાહે રજૂ કરશે. અમે ભારતને નાટો પ્લસ ફાઇવ ગ્રૂપમાં સામેલ કરવાની દરખાસ્ત કરીશું, જેથી અમેરિકા મજબૂત રીતે ડિફેન્સ ઇક્વિપમેન્ટ ભારતને ટ્રાન્સફર કરી શકે.