અમેરિકામાં ઇમિગ્રેશન કાયદા હેઠળ હાલમાં અપાતા રોજગાર આધારિત વીઝાના યોગ્ય ઉપયોગના હેતુ સાથેનું બિલ ડેમોક્રેટ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ રજૂ કર્યું છે. સૂચિત બિલ અંતર્ગત જરૂરતમંદ કર્મચારીઓને હાલમાં અપાતા વર્કવીઝામાં વધુ બાંધછોડને અવકાશ રહેશે.
બિલ રજૂ કરતા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતુંકે, આપણા દેશની કુશળ ઇમિગ્રેશન વ્યવસ્થાથી વિશ્વભરની કુશળ પ્રતિભાઓ મળી રહેતી હોવા છતાં જે તે દેશના મૂળના કર્મચારીઓને રોજગાર આધારિત વીઝા ઉપર વર્તમાન કાયદા હેઠળ મર્યાદા મૂકાઇ હોવાથી આપણા અર્થતંત્રમાં ઉપયોગી નીવડી શકે તેવા હજારો વીઝા વપરાયા વિના પડી રહે છે.
સૂચિત વિધેયક દ્વારા કુશળ ઇમિગ્રેશનમાં દેશ આધારિત ભેદભાવનો અંત લાવી અમેરિકાના અર્થતંત્રને વધુ મજબૂત બનાવી શકે તેવા વિશ્વભરના કુશળ લોકોને અમેરિકામાં લાવવા ફાળવાયેલા તમામ વીઝાનો ઉપયોગ કરવા ઉપરાંત ઘરઆંગણાના કર્મચારીબળમાં વધુ રોકાણ ચાલુ રાખવાનો હેતુ છે. બુળશ્વોને જણાવ્યું હતું કે, વર્તમાન કાયદામાં ડોક્ટરો, એન્જિનિયરો જવી કુશળ પ્રતિભાઓ માટે ચોક્કસ પ્રમાણમાં વીઝા ફાળવણી કરાઇ છે પરંતુ કમનસીબે અધિકારીસ્તરીય નીતિઓ અને વિલંબના કારણે સેંકડો હજારો વીઝા વપરાતા નથી. આ બિલથી આવો બેકલોગ દૂર કરી વર્તમાન ઇમિગ્રેશન કાયદા હેઠળ ફાળવાયેલા વીઝાનો યોગ્ય ઉપયોગ થશે.
મીડિયા યાદી અનુસાર દર વર્ષે દરેક દેશને સાત ટકા રોજગાર આધારિત વીઝા ફાળવાય છે. આવી મર્યાદા અને અધિકારી સ્તરે થતા વિલંબથી 2020માં 9100 અને 2021માં 6600થી વધારે વીઝા વપરાયા વિનાના રહ્યા હતા.