અમેરિકાની સંસદમાં બંને રાજકીય પક્ષોના સાંસદોના એક ગ્રુપે ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સના બાળકોને દેશનિકાલથી રક્ષણ આપવાની દરખાસ્ત કરતું એક બિલ રજૂ કર્યું છે. સામાન્ય રીતે લાંબા ગાળાના વિઝા ધારકોના સંતાનો ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ તરીકે ઓળખાય છે. તેમની સંખ્યા આશરે 2,50,000 હોવાનો અંદાજ છે. તેઓ અમેરિકામાં કાયદેસર રીતે ઉછર્યા છે, પરંતુ તેઓ 21 વર્ષના થાય ત્યાં સુધીમાં તેમના માતા-પિતાને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે નહીં તો એ યુવા પેઢીને અમેરિકા છોડવું પડે તેનું જોખમ ઊભું થાય છે. હાલની સિસ્ટમ મુજબ ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સે અમેરિકા છોડીને તેમના જન્મના દેશમાં પાછા ફરવું પડે છે. તેનાથી અમેરિકામાં તેમનું ભવિષ્ય અને આજીવિકા છીનવી છીનવાઈ જાય છે.
પ્રતિનિધિગૃહ અને સેનેટમાં રજૂ કરાયેલા ચિલ્ડ્રન એક્ટ મુજબ એમ્પ્લોયમેન્ટ વિઝા હેઠળના કામદારોના આશ્રિત બાળકો તરીકે અમેરિકામાં આવ્યા હોય, અમેરિકામાં 10 વર્ષ (આશ્રિત તરીકે આઠ વર્ષ સહિત) આ સ્ટેટસ જાળવી રાખ્યું હોય અને ઉચ્ચ શિક્ષણની સંસ્થામાંથી સ્નાતક થયા હોય તો તેમને કાયમી રહેઠાણની પરવાનગી મળશે.
આ બિલથી આશ્રિત તરીકે 21 વર્ષની ઉંમર પહેલા, અમેરિકામાં આશરે આઠ વર્ષ રહ્યાં હોય તેવા યુવાઓને અમેરિકા છોડવું પડે તેવા નિયમથી – દેશનિકાલથી રક્ષણ મળશે. તેઓ તેમના માતાપિતા નોન ઇમિગ્રન્ટ વિઝાના આશ્રિત તરીકે ત્યાં સુધી રહી શકશે જ્યાં સુધી તેમને બીજું વિઝા સ્ટેટસ મળે નહીં.
ભારતીય અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે અમેરિકામાં ઉછર્યા હોય અને અમેરિકામાં જ આગળનું જીવન જીવવાના સપના સજાવ્યા હોય તેવા લોંગ ટર્મ વિઝા હોલ્ડર્સના ઘણા બાળકોને અમારી ઇમિગ્રેશન સિસ્ટમની નિષ્ફળતાને કારણે પોતાની કારકિર્દી શરૂ કરી શકે અને અમેરિકામાં સફળતાની ગાથા લખે તે પહેલા તેમને અમેરિકા છોડી જવાની ફરજ પડે છે.
કોંગ્રેસવુમેન ડેબોરાહ રોસે જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ આપણા સમુદાયોમાં મોટા થાય છે, આપણી શાળાઓમાં જાય છે અને આપણા બાળકો સાથે અભ્યાસ કરે છે. આ પ્રેરણાદાયી યુવાઓ અમેરિકાના સર્વશ્રેષ્ઠનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આપણે ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરીને ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને દેશમાં રહેવાની તક આપવાની તાતી જરૂરિયાત છે.સેનેટર એલેક્સ પેડિલાએ જણાવ્યું હતું કે માતાપિતાનું ગ્રીન કાર્ડ લાલ રેડ ટેપિઝમમાં ફસાયું છે તે અપવાદને બાદ કરતા ડોક્યુમેન્ટ ડ્રીમર્સ દરેક રીતે અમેરિકન છે.
અમેરિકામાં લાંબા ગાળાના નોન-ઇમિગ્રન્ટ વિઝા ધારકો (H-1B, L-1, E-1 અને E-2 કામદારો સહિત)ના આશ્રિત તરીકે રહેતા બાળકો અને પુખ્તોની સંખ્યા આશરે 250,000 છે. આ યુવાનો – યુવતીઓ અમેરિકામાં ઉછરે છે, અમેરિકન શાળાઓમાં હાજરી આપે છે અને અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થાય છે. જોકે આવા ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સને DACA હેઠળનું પ્રોટેક્શન અથવા વર્ક ઓથોરાઇઝેશન મળતું નથી.ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સે આ બિલને આવકાર્યું હતું. કાનૂની ઇમિગ્રેન્ટ્સના બાળકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ઇમ્પ્રુવ ધ ડ્રીમ’ના સ્થાપક દીપ પટેલે જણાવ્યું હતું કે આ ખામી દૂર કરવાથી એ સુનિશ્ચિત થશે કે પોતાના ત્યાં ઉછેરેલા અને શિક્ષિત બનેલા લોકોનો અમેરિકાને પણ લાભ મળે.