(ANI Photo)
છેલ્લા ઘણા સમયથી બોલીવૂડની સામે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો દબદબો વધુ જોવા મળે છે. સાઉથમાંથી ઘણી હિટ ફિલ્મો રીલીઝ થઇ રહી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. હવે નજીકના ભવિષ્યમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આવી રહી છે. આ ઉપરાંત સાઉથની છ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે એવી શક્યતા છે અને આ ફિલ્મો માટે કુલ રૂ. 2,135 કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ ફિલ્મોના ટીઝર જોઈને ચાહકોમાં તેની આતુરતા વધી છે.
કાંતારા: એ લીજેન્ડ ચેપ્ટર 1
સાઉથની ફિલ્મ ‘કાંતારા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને હવે નિર્માતાએ ‘કાંતારા એ લીજેન્ડ ચેપ્ટર 1’નું ટીઝર જાહેર કર્યું છે. જે જોઈને લોકોમાં એક્સાઇટમેન્ટ જોવા મળે છે. ‘કાંતારા’ રૂ. 15 કરોડમાં બની હતી અને 50 દિવસો સુધી થીયેટરોમાં દર્શાવાયી હતી. આ ફિલ્મે રૂ. 400 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે આ ફિલ્મનો બીજો ભાગ રૂ. 125 કરોડમાં બન્યો છે, અને દર્શકો તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
પુષ્પાઃ ધ રૂલ
ફિલ્મરસિકો ‘પુષ્પા 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી અને હવે બીજો ભાગ બની રહ્યો છે, જેનું બજેટ રૂ. 500 કરોડ છે, જ્યારે પ્રથમ ભાગ માત્ર રૂ. 60 કરોડમાં બની હતી.
કલ્કિ 289 AD
પ્રભાસની નવી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ને અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું બજેટ રૂ. 700 કરોડ છે અને ફિલ્મમાં પ્રભાસ ફરી ભગવાનની ભૂમિકામાં જોવા મળશે. પ્રભાસને ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર તરીકે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં અન્ય કલાકારો અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ, કમલ હાસન પણ છે.
સાલાર
પ્રભાસની જ બીજી ફિલ્મ ‘સાલાર’ની પણ ચર્ચા તેના ચાહકો કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ રૂ. 400 કરોડના ખર્ચે થઇ રહ્યું છે અને આ ફિલ્મમાં તેની સાથે શ્રુતિ હાસન પણ જોવા મળશે. આ ફિલ્મનું તેલુગુ અને કન્નડ ભાષામાં નિર્માણ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ પણ છે.
કેપ્ટન મિલર
ધનુષ અને શિવા રાજકુમાર અભિનિત ફિલ્મ ‘કેપ્ટન મિલર’ રિલીઝ માટે તૈયાર છે. જે 15 ડિસેમ્બરની આસપાસ રિલીઝ થશે. આ ફિલ્મ રૂ. 60 કરોડમાં બની છે. ધનુષ આ ફિલ્મમાં કેપ્ટન મિલરની ભૂમિકામાં છે.
કંગુવા
સૂર્યાની નવી ફિલ્મ ‘કંગુવા’ માટે તેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં દિશા પટણી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પણ રૂ. 350 કરોડના ખર્ચે બની રહી છે.

LEAVE A REPLY