– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી)
સેંકડો વર્ષો પૂર્વે માણસ, પ્રાણીઓ અને વનસ્પતિ સમાન ભાષામાં વાત કરવા જેવું સૌહાર્દપૂર્ણ રમણીય વાતાવરણ હતું ત્યારે ભૂમિ ઉપર આગ પ્રગટી અને જોત જોતામાં ઝાડી ઝાંખરા, ઝાડની નાની મોટી ડાળીઓ ફુલ પાંદડા અને ઘાસચારો આગની જ્વાળાઓની ઝપટમાં આવવા લાગતા તમામ ઢોર ઢાંખર આગથી બચવા સલામત સ્થળો તરફ દોડવા લાગ્યા. ખિસકોલીઓ ઝાડ પર ચઢી ગઈ, દેડકાં સરોવરોની મધ્યમાં લીલના પડમાં લપાયા, હરણાં ઉંચી ટેકરીઓ ઉપર ચઢી ગયા, પક્ષીઓ પણ ઊડી ગયા.
ભીષણ આગ દાવાનળરૂપે પ્રસરવા લાગતાં જંગલનો વધુને વધુ વિસ્તાર ભશ્મિભૂત થવા લાગ્યો. સરોવરોનું પાણી પર ગરમ થવા લાગ્યું. ખિસકોલીઓ, દેડકાની દોડધામ આગળને આગળ વધતી ચાલી. વાનર સેના પણ એક ડાળીથી બીજી ડાળ તરફ કૂદાકૂદ કરવા લાગી.
વનરક્ષક અધિકારી ફાયરપ્રુફ ગણવેશમાં અબોલ મૂંગા જીવોને બચાવવા મરણિયા પ્રયાસો કરતા હતા ત્યારે તેમની નજર એક ઘટાદાર વૃક્ષની ટોચે બેઠેલા બે પક્ષીઓ ઉપર પડી. વનરક્ષકે પક્ષીઓને ઊડાડવા ચીસાચીસ કરવા ઉપરાંત હાથલાગી તે વસ્તુઓ ફેંકી. જંગલ અને વૃક્ષો પણ ભશ્મિભૂત થશે તેવી ઘાંટાઘાંટ પણ કરી પરંતુ બંને પક્ષીઓ શાંત ભાવે ઝાડ ઉપર જ રહ્યા.
કેટલીક પળોના મૌન બાદ એક પક્ષીએ જવાબ આપ્યો કે આ વૃક્ષ ઉપર અમે જીવ્યા છીએ. ઝાડે અમને ડાળીઓ આપી જેના ઉપર માળો બાંધી અમે અમારા સંસાર-સંતાનોને આગળ વધાર્યો છે. ઝાડના ફળ, જીવ જંતુઓ ખાઈને અમારા સંતાનો અને અમે મોટા થયા છીએ. વૃક્ષના પાંદડાના ભેજ-પાણી અમને તાજગી અર્પતા રહ્યા છે. સૂરજની ગરમી, સૂસવાટાભર્યા પવનોની થપાટ સામે અમને રક્ષણ મળતું રહ્યું છે.
જંગલની વિકરાળ આગમાં બધાની સાથે અમારૂં આશ્રયસ્થાન ઝાડ પણ નાશ પામવાનું છે. એ અમે જાણીએ છીએ પરંતુ અમે નિઃસહાય છીએ, અમે ઝાડને બચાવી શકીએ તેમ નથી. જે ઝાડ ઉપર અમારી પેઢીઓ જીવી ગઈ તે ઝાડને અમે મરતું છોડીને જવાના બદલે અમે પણ છેક સુધી રહી ઝાડની સાથે જ મરીશું. વર્ષોના સહવાસ અને લગાવ થકી વ્યક્ત થતા અબોલ જીવોના કરૂણાભાવનું આનાથી વિશેષ દૃષ્ટાંત કયું હોઈ શકે?
અબોલ જીવોની સામે આપણે માનવી આપણી વફાદારી એક યા બીજા સ્વરૂપે બદલતા જ રહ્યા છીએ, એક પછી એક શિક્ષકો બદલાવા, સંતાન-વારસ બદલવા કે વસ્તુની બદલી આપણા માટે સ્વાભાવિક બની ચૂક્યા છે. આપણું હૃદય ચંચળ, અસ્થિર છે. આપણા હૃદય-મન આપણી સેવામાં છે કે અન્ય કોઈ વફાદારી આપણને અનુકૂળ હોય નહીં ત્યાં સુધી જ આપણી વફાદારી હોય છે.
લગ્નના પવિત્ર બંધનમાં બંધાતી વખતે, સાત ફેરા લેતી વખતે ગોર મહારાજ દ્વારા લેવરાવાતી પ્રતિજ્ઞાઓનું પણ એક આગવું મહત્ત્વ હોય છે. સુખમાં દુઃખમાં કે સાજે માંદે સાથ નીભાવવાની પ્રતિસ્પર્ધા મોટી જવાબદારી છે. કોઈ તંદુરસ્ત, આનંદિત, સુખસંપન્ન કે પ્રગતિશીલની સાથે જોડવાનું સહેલું છે પરંતુ જે માંદો હોય, હતાશ હોય, દુઃખી હોય કે આછીપાતળી હાલતવાળો હોય તેની સાથે જોડાઈ તેને બેઠો કરવાનું કપરૂં કામ છે. ભક્તિભાવનું પણ આવું જ છે ખાસ કરીને ત્યારે કે જ્યારે આવો ભાવ તમને નુકશાનકર્તા નીવડી શકે તેવું લાગતું હોય ત્યારે પણ ભક્તિભાવ, સમર્પણભાવ જાળવવો અઘરો છે.
મેં નુકશાનકર્તા જેવું લાગવું કહ્યું, કારણ કે શ્રદ્ધા વિશ્વાસ ગુમાવીએ ત્યારે આપણા આત્માને બીજી દુન્યવી આફતો કરતાં વધારે આઘાત નુકશાન થતું હોય છે. શુધ્ધ તથા એક ધ્યાનથી ધરાતો ભક્તિભાવ, સમર્પણ ભાવ આ જગતની અત્યંત સુંદર વસ્તુ છે. હકીકતમાં તે ભક્તિમાર્ગ છે છતાં આપણામાંના કેટલા તે માર્ગે જઈ શકે કે તેને અપનાવી, જાળવી શકે.
સામાન્યતઃ આપણે ભગવાનને શ્રધ્ધેય ભાવથી પ્રેમ કરીએ છીએ, બધું જ સારૂં હોય ત્યારે ભગવાનમાં અપાર શ્રધ્ધા પણ ધરાવતા હોઈએ છીએ. દૈવી આયોજન કષ્ટદાયી હોય ત્યારે દૈવી શક્તિના આયોજનમાં માનવાનું અઘરું છે. હતાશાની પળોમાં તમારી શ્રધ્ધા, વિશ્વાસનું અનેરૂં મહત્ત્વ છે.
આ જ સાચી આધ્યાત્મિક્તા છે. તમે કોની સાથે અને ક્યારે સુખદ, આરામપ્રદ છો તે માટે આધ્યાત્મિકતા નથી. આધ્યાત્મિકતા તમારી વફાદારીને જીવંત રાખે છે. પેલા ઝાડની સાથે જ મરવાના ભાવવાળા પક્ષીઓના બાળસહજ લાગતા ભક્તિભાવ અને વફાદારી એ કોઈ બીજા છેડે પહોંચવાના માર્ગ કે માધ્યમ લાગે છે. જોકે ભાવ આગમાં જ સમાવવાના છે. પક્ષીઓની શુધ્ધ સહજ વફાદારી જ તેમના આત્માને અન્ય કક્ષા કરતા સ્વર્ગે લઈ જનાર માધ્યમ બની રહે.