ભારત સરકારે 2002ના ગુજરાત રમખાણો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરીની લિંક્સ દૂર કરવાનો ટ્વિટર અને યુટ્યુબને શનિવાર 21 જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો, એમ બાબતની સીધી જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું.
આઈ એન્ડ બી મંત્રાલયે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને લિંક્સને દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને યુટ્યુબ અને ટ્વિટર બંને આ આદેશનું પાલન કરવા સંમત થયા હતા.
“ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” શીર્ષકવાળી ડોક્યુમેન્ટરીના ટ્વીટ્સ અને યુટ્યુબ વીડિયો હવે માઇક્રોબ્લોગિંગ અને વીડિયો શેરિંગ વેબસાઇટ્સ પર દેખાતા નથી.
માહિતી અને પ્રસારણ (I&B) મંત્રાલયે બે સોશિયલ મીડિયા દિગ્ગજોને બીબીસી ડોક્યુમેન્ટરીના પ્રથમ એપિસોડને બ્લોક કરવા જણાવ્યું હતું, એમ આ મુદ્દાથી વાકેફ લોકોએ જણાવ્યું હતું. મંત્રાલયે ટ્વિટરને ડોક્યુમેન્ટ્રી પરની 50થી વધુ ટ્વીટ્સ દૂર કરવા જણાવ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન કેટલાંતક વિપક્ષી નેતાઓમાંની ડોક્યુમેન્ટ્રી પરની ટ્વિટ ટ્વિટર દ્વારા હટાવી દેવામાં આવી હતી.ઓ’બ્રાયને આક્ષેપ કર્યો હતો કે “સેન્સરશીપ. ટ્વિટરે બીબીસી ડોક્યુમેન્ટરીનું મારું ટ્વીટ દૂર કર્યું છે. તેને લાખો વ્યુઝ મળ્યા છે. એક કલાકની બીબીસી ડોક્યુમેન્ટરી એ છતુ કરે છે કે પીએમ કેવી રીતે લઘુમતીઓને નફરત કરે છે.”
અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બીબીસી શ્રેણીને ખોટા વર્ણન અને દુષ્પ્રચારનો એક ભાગ ગણાવ્યો હતો. બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ (BBC documentary “India: The Modi Question”) નામના બે ભાગમાં એક નવી ડોક્યુમેન્ટરી સીરિઝ બનાવી છે. આ શ્રેણી ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન હતા.