આ શિયાળામાં ઇંગ્લેન્ડની હોસ્પિટલોના A&E વિભાગમાં રાહ જોવાનો સમય એટલો બધો વધી ગયો છે કે કેટલીક હોસ્પિટલોમાં અડધાથી વધુ દર્દીઓને ચાર કલાકથી વધુ સમય સુધી પોતાની સારવાર માટે રાહ જોવી પડી હતી.
ડિસેમ્બર અને જાન્યુઆરીના 107 હોસ્પિટલોના ડેટાનું બીબીસી દ્વારા વિશ્લેષણ કરાતા હલ યુનિવર્સિટી હોસ્પિટલ્સ, વાય વેલી અને શ્ર્યુઝબરી અને ટેલફર્ડના A&E વિભાગો રાહ જોવા માટે સૌથી ખરાબ રહ્યા હતા. જ્યારે શ્રેષ્ઠ ટ્રસ્ટ તરીકે નોર્થમ્બ્રિયા હેલ્થકેરનો નંબર આવ્યો હતો જેમાં માત્ર 10% કરતા ઓછા લોકોને ચાર કલાકથી વધુ રાહ જોવી પડી હતી.
NHS ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે સંઘર્ષ કરી રહેલા ટ્રસ્ટોને ટેકો આપવા માટે યોજનાઓ મૂકવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સ અને A&E બંને સંઘર્ષ કરી રહી હોવાથી સમગ્ર ઇમરજન્સી કેર સિસ્ટમમાં વિલંબ થઇ રહ્યો છે. પરંતુ તે વિલંબની અસર સમગ્ર દેશમાં સમાનરૂપે અનુભવાઈ નથી.
સૌથી ખરાબ પ્રદર્શન કરનારા 10 ટ્રસ્ટમાં A&E ખાતે ચાર કલાકથી વધુ રાહ જોવાની તક શ્રેષ્ઠ કરતાં ઓછામાં ઓછી પાંચ ગણી વધારે હતી.