પેરિસ ઓલિમ્પિક્સમાં આ વર્ષે ટ્રેક અને ફીલ્ડની 48 સ્પર્ધાઓના ગોલ્ડ મેડલ વિજેતાઓને વર્લ્ડ એથ્લેટિક્સ (ડબલ્યુએ)એ સૌપ્રથમ વખત $50,000ના ઈનામની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. વિશ્વ એથ્લેટિક્સના આ પગલાંને લીધે 2028ના લોસ એન્જલિસમાં યોજનાર ઓલિમ્પિક્સમાં ત્રણેય મેડલ વિજેતાઓને પુરસ્કાર આપવાનો માર્ગ મોકળો થશે.
ભારતને નીરજ ચોપરા પાસેથી પેરિસ ઓલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલની આશા છે. નીરજ અગાઉ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશ માટે એથ્લેટિક્સમાં સૌપ્રથમ ઐતિહાસિક ગોલ્ડ મેડલ લાવ્યો હતો. વ્યક્તિગત સ્પર્ધામાં નીરજ ચોપરા શૂટર અભિનવ બિન્દ્રા પછી ગોલ્ડ જીતનાર બીજો ભારતીય હતો. આ ઐતિહાસિક નિર્ણયને લીધે વર્લ્ડ એથ્લેટિક્સ ઓલિમ્પિક્સ રમતોમાં પુરસ્કાર આપનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય મહાસંઘ બનશે.
આઈઓસી દ્વારા વર્લ્ડ એથ્લેટિક્સને દર ચાર વર્ષે આવકના હિસ્સાની ફાળવણી કરવામાં આવે છે. આ ભંડોળનો ઉપયોગ 48 એથ્લેટિક્સ રમતો પૈકી દરેકમાં ગોલ્ડ મેડલ વિજેતા એથ્લિટને પુરસ્કાર આપવા માટે કરાશે. 2028ના ઓલિમ્પિક્સમાં રોકડ પુરસ્કારના માળખાની જાહેરાત ગેમ્સ શરૂ થવાની આસપાસના સમયગાળામાં કરાશે. ડબલ્યુએની આ પહેલ એથ્લિટ્સને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા ઓલિમ્પિક્સ ગેમ્સની સફળતામાં તેમની મહત્વની ભૂમિકા બિરદાવવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
