યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયન આર્મીમાં ‘સહાયક’ તરીકે કામ કરતા સુરતના 23 વર્ષના એક યુવકનું રશિયામાં 21 ફેબ્રુઆરીએ ડોનેત્સ્ક પ્રદેશમાં યુક્રેનના હવાઇ હુમલામાં મોત થયું હતું, એમ મીડિયા રીપોર્ટમાં જણાવાયું હતું. સુરતના હેમિલ માંગુકિયાના પરિવારને બે દિવસ પહેલા તેના મૃત્યુની માહિતી મળી હતી.
અગાઉ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે રશિયન આર્મીમાં સહાયક સ્ટાફ તરીકે કામ કરતા ભારતીયોને વહેલા “ડિસ્ચાર્જ” કરવામાં આવે તે માટે ભારત સરકાર મોસ્કોના સંપર્કમાં છે. સરકાર દેશના નાગરિકોને યુક્રેનમાં સંઘર્ષ ક્ષેત્રથી દૂર રહેવાનો અનુરોધ કરે છે.
માંગુકિયાએ ઓનલાઈન જાહેરાત દ્વારા રશિયામાં નોકરી માટે અરજી કરી હતી અને ચેન્નાઈથી મોસ્કો પહોંચ્યો હતો. ત્યારબાદ તેને રશિયન આર્મીમાં સહાયક તરીકે ભરતી કરવામાં આવ્યો.
અહેવાલો પ્રમાણે હેમિલને વિદેશમાં જોબ કરવી હતી અને કેટલાક એજન્ટોએ તેને રશિયામાં સારું કામ અપાવવાની ઓફર કરી હતી. આ અગાઉ એજન્ટ મારફત સુરતથી લગભગ 12 યુવાનોને રશિયા મોકલવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે, જેમાં હેમિલ પણ સામેલ હતો.
હેમિલનું મોત થયા પછી તેના પિતા વતી એક એજન્ટે ભારતીય દૂતાવાસને પત્ર લખ્યો હતો અને હેમિલનો મૃતદેહ પરત લાવવા માટે વિનંતી કરી હતી. મીડિયા રીપોર્ટ મુજબ કર્ણાટકના એક યુવાને જણાવ્યું હતું કે તે અને હેમિલ બાજુ-બાજુમાં જ હતા. આ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો. તેથી બે ભારતીયો અને રશિયન સૈનિકો એક ખાઈમાં છુપાઈ ગયા હતા. આ દરમિયાન મિસાઈલનો બ્લાસ્ટ થયો અને થોડી વાર પછી જઈને ચેક કર્યું તો હેમિલ માર્યો ગયો હતો. રશિયન કમાન્ડરને આ વિશે જણાવવામાં આવ્યું તો તેણે કહ્યું કે બે મહિના પછી હેમિલનો મૃતદેહ આપવામાં આવશે.
ભારતના કેટલાંક નાગરિકો રશિયન આર્મીમાં સપોર્ટ તરીકે કામ કરી રહ્યાં હોવાના અહેવાલ જયસ્વાલે જણાવ્યું હતું અમે જાણીએ છીએ કે કેટલાંક ભારતીય નાગરિકો રશિયન સેનામાં સહાયક તરીકે નોકરીમાં જોડાયા છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસે તેમના વહેલા ડિસ્ચાર્જ માટે સંબંધિત રશિયન અધિકારીઓ સાથે નિયમિતપણે આ મામલો ઉઠાવ્યો છે. અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. મીડિયા અહેવાલો અનુસાર ભારતના ઘણા નાગરિકો રશિયન સૈન્યમાં સુરક્ષા સહાયક તરીકે કામ કરી રહ્યા છે અને તેઓને યુક્રેન સાથેની રશિયાની સરહદે કેટલાક વિસ્તારોમાં યુદ્ધ કરવાની ફરજ પડાઈ છે.