વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 12 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવા માટે હિમાચલપ્રદેશના લેપચામાં સૈનિકો સાથે પહોંચ્યા હતાં. દર વર્ષે વડાપ્રધાન મોદી સૈનિકો સાથે પ્રકાશના તહેવારની ઉજવણી કરવા માટે લશ્કરી મથકોની મુલાકાત લે છે.
વડાપ્રધાને એક્સ પર તેમના હેન્ડલ પર તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. વડાપ્રધાને મિલિટરી ડ્રેસ પહોંચ્યો હતો અને સૈનિક સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે પરિવારોથી દૂર રહીને આપણા રાષ્ટ્રના આ રક્ષકો તેમના સમર્પણથી અમારા જીવનને પ્રકાશિત કરે છે. હિમાચલ પ્રદેશના લેપ્ચામાં આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવી એ ઊંડી લાગણી અને ગર્વથી ભરેલો અનુભવ રહ્યો છે.
તેમણે કહ્યું કે આપણા સુરક્ષા દળોની હિંમત અતૂટ છે. સૌથી મુશ્કેલ પ્રદેશોમાં સ્થિત તેમના પ્રિયજનોથી દૂર, તેમનું બલિદાન અને સમર્પણ આપણને સુરક્ષિત રાખે છે. ભારત હંમેશા આ નાયકોનો આભારી રહેશે જેઓ બહાદુરીનો પ્રતિક છે.
વડા પ્રધાન બન્યા પછીથી મોદીએ સરહદો પર તૈનાત સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવી છે. 2014માં વડાપ્રધાને દિવાળી પર સિયાચીન ગ્લેશિયરની મુલાકાત લીધી હતી. 2015માં તેઓ પંજાબમાં બોર્ડર પર હતા. 2017માં તેઓ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સૈનિક સાથે હતા. વડાપ્રધાન 2018ની દિવાળી માટે ઉત્તરાખંડના હરસિલમાં હતા. પછીના વર્ષે તે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે રાજૌરીમાં હતા.