(ANI Photo)

ભારત અને અમેરિકા લશ્કરી વાહનોનું સહ-ઉત્પાદન કરશે. બંને દેશો વચ્ચેના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ સહકારના ભાગરૂપે પાયદળ માટેના કોમ્બેટ વ્હિકલનું સાથે મળીને ઉત્પાદન કરાશે. દિલ્હીમાં ‘2+2’ સંરક્ષણ અને વિદેશ પ્રધાનસ્તરીય સંવાદ પછી અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટીને શુક્રવારે આ જાહેરાત કરી હતી.

ઓસ્ટિન ઉપરાંત યુએસ પ્રતિનિધિમંડળમાં વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનનો સમાવેશ થાય છે. ભારતીય પક્ષનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યું હતું.

એક પ્રશ્નના જવાબમાં ઓસ્ટિને જણાવ્યું હતું કે વાટાઘાટોમાં ચીન તરફથી વધી રહેલા સુરક્ષા પડકારો સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતાં. જોકે ભારત અને અમેરિકાના સંબંધો માત્ર ચીનના પડકાર  આધારિત નથી.

ભારત અને યુએસએ શુક્રવારે સંરક્ષણ ઉત્પાદન, મહત્ત્વના ખનિજો અને હાઇ ટેકનોલોજીના ક્ષેત્રોમાં જોડાણ મજબૂત બનાવીને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવા માટે વ્યાપક વાટાઘાટો કરી હતી. બંને દેશોએ ઇન્ડો સ્પેસિફિક રિજનમાં ચીનની વધતી જતી લશ્કરી તાકાત અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી ઊભી થયેલી સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

રશિયા-યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયામાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા સંઘર્ષને કારણે સર્જાયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારત-યુએસ ‘2+2’ વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય સંવાદ થયો હતો.

‘2+2’ મંત્રી સ્તરીય સંવાદમાં અમેરિકન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન અને સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિને કર્યું હતું, જ્યારે ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું. જયશંકરે જણાવ્યું હતું કે આ સંવાદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડનના વિઝનને આગળ ધપાવવાની એક તક હતી. બ્લિંકને જણાવ્યું હતું કે યુએસ અને ભારતની મજબૂત ભાગીદારી છે અને બંને પક્ષો ભવિષ્ય માટે અસરો ધરાવતી બાબતો પર ચર્ચા કરી રહ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments