ભારતના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે’આરંભ (ધ બિગિનિંગ): ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસીસ ઇન ઇન્ડિયા’નો પ્રારંભ કરાવ્યો હતો. આ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં વિદેશી યુનિવર્સિટી કેમ્પસની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં દર્શાવેલા વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. આ પરિવર્તનકારી નીતિ ‘ઇન્ટરનેશનલાઇઝેશન એટ હોમ’ પર ભાર મૂકે છે, જેનો ઉદ્દેશ આપણા પોતાના દેશની અંદર વાઇબ્રન્ટ, વૈવિધ્યપૂર્ણ અને સર્વસમાવેશક શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાનો છે.
આ સમારંભમાં ગિફ્ટ સિટીમાં ડેકિન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગના કેમ્પસની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સરકારના શિક્ષણ પ્રધાન જેસન ક્લેર, ઓસ્ટ્રેલિયા સરકારના કૌશલ્ય અને તાલીમ પ્રધાન બ્રેન્ડન ઓ’કોનોર (ઓન-લાઇન), ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર આયન માર્ટિન વાઇસ ચાન્સેલર, પ્રોફેસર પેટ્રિશિયા ડેવિડસન, વાઇસ ચાન્સેલર, ઓસ્ટ્રેલિયા સરકાર, યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ, અને ભારત અને ઓસ્ટ્રેલિયાના જાણીતા શિક્ષણવિદો સાથે વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.