અમેરિકામાં ટોચના સેનેટરોએ ગ્રીન કાર્ડ્સ માટેના દેશ દીઠ ક્વોટાને તબક્કાવાર નાબૂદ કરવા અને ડોકટરો તેમ જ નર્સો માટેના વાર્ષિક ગ્રીન કાર્ડના ક્વોટામાંથી બિનઉપયોગી વિઝાને પરત લેવા માટે કાયદો લાવવાની તાજેતરમાં જાહેરાત કરી હતી. અમેરિકામાં આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓની નોંધપાત્ર અછત હોવાથી આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. સેનેટર કેવિન ક્રેમર અને ડિક ડર્બિનના નેતૃત્ત્વમાં હેલ્થકેર વર્કફોર્સ રીઝિલ્યન્સ એક્ટ દ્વારા અમેરિકમાં આરોગ્ય કર્મચારીઓની ગંભીર અછતને દૂર કરવા માટે યોગ્યતા ધરાવતા ઇમિગ્રન્ટ ડોકટરો અને નર્સોને મર્યાદિત સંખ્યામાં ગ્રીન કાર્ડ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ બિલ દ્વારા કોંગ્રેસે પહેલેથી જ અધિકૃત કરવામાં આવેલા પરંતુ અગાઉના વર્ષોમાં ઉપયોગમાં ન લેવાયેલા ગ્રીન કાર્ડને “ફરીથી મેળવવાની” મંજૂરી આપવામાં આવશે, જેમાં નર્સો માટે 25,000 ઇમિગ્રન્ટ વિઝા અને ફીઝિશિયન્સ માટે 15,000 સુધીના ઇમિગ્રન્ટ વિઝા ફાળવવામાં આવશે. આ બિલ દ્વારા નવા કોઈપણ વિઝાને મંજૂરી મળતી નથી. અમેરિકામાં કાયમી રહેવાસી તરીકે ઓળખાતા ગ્રીન કાર્ડને પુરાવા તરીકે ઇમિગ્રન્ટ્સને ઇસ્યુ કરવામાં આવેલ ડોક્યુમેન્ટ છે, જેનાથી કાર્ડ ધારકને દેશમાં કાયમી રહેવાનો વિશેષાધિકાર મળે છે.
સેનેટર ક્રેમર અને જોન હિકનલૂપર દ્વારા ધ ઇક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડઝ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ (EAGLE) એક્ટને ફરીથી રજૂ કરવામાં આવશે, જેના આધારે અમેરિકન કંપનીઓને ઇમિગ્રન્ટ્સને તેમના જન્મસ્થાન મુજબ નહીં પરંતુ તેમની યોગ્યતા પ્રમાણે નોકરી માટે રાખી શકશે.
આ કાયદા દ્વારા રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા પર દેશ દીઠ સાત ટકાની મર્યાદાને તબક્કાવાર દૂર કરવામાં આવશે અને ફેમિલ સ્પોન્સર્ડ વિઝા પર દેશ દીઠ મર્યાદા સાત ટકાથી વધારીને 15 ટકા કરાશે. અમેરિકામાં અત્યારે મોટાભાગના રોજગાર આધારિત ઇમિગ્રન્ટ્સ હંગામી વિઝા પર રહે છે અને વધુ વિઝા મળવાની જોઇ રહ્યા છે.
સેનેટર ક્રેમરની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે ઇમિગ્રન્ટ્સ લાંબી સમયથી વિઝાની રાહમાં તેમના માટે ઇગલ એક્ટથી પડતર કાર્યવાહી સરળ બનશે.