કતારમાં નૌકાદળ આઠ ભૂતપૂર્વ અધિકારીઓની મૃત્યુદંડની સજા સામે ભારત સરકારે અપીલ કરી છે. ભારતના આ અધિકારીઓ સામેના આરોપ જાહેર કરાયા નથી, પરંતુ તેમની સામે જાસૂસી કરવાનો આરોપ હોવાનું માનવામાં આવે છે અને કતારની નીચલી કોર્ટે તેમની ફાંસીની સજા કરી હતી. કતાર કે ભારત સરકારે તેમની સામેના આરોપોની જાહેરાત કરી નથી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતે ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. દોહાની ભારતીય એમ્બેસીને મંગળવારે ભારતીયોનો કોન્સ્યુલર એક્સેસ મળ્યો હતો. કેન્દ્ર સરકાર ભારતીયોને તમામ કાયદેસર અને કોન્સ્યુલર મદદ કરવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, કતારની કોર્ટે ૨૬ ઓક્ટોબરે ભારતના આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મૃત્યુદંડની સજા કરી હતી. ભારતે ચુકાદાને બહુ આંચકાજનક ગણાવ્યો હતો અને કેસના તમામ કાનૂની પાસાં ચકાસવાનો ભરોસો આપ્યો હતો.
બાગચીએ કહ્યું હતું કે, “અલ દાહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ માટેનો ચુકાદો ગુપ્ત છે અને તે માત્ર કાનૂની ટીમ સાથે શેર કરાયો છે. હવે અપીલ ફાઇલ કરી દેવામાં આવી છે. અમે પણ આ મુદ્દે કતારના સત્તાવાળા સાથે સંપર્કમાં છીએ.”
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટમાં ખાનગી કંપની અલ દાહરામાં કામ કરતા ભારતીય નાગરિકોને કથિત જાસૂસીના કેસમાં પકડી લેવામાં આવ્યા હતા. કતાર કે ભારત સરકારના સત્તાવાળાએ ભારતીયો સામેના આરોપોને જાહેર કર્યા ન હતા. ભારતીય વિદેશ મંત્રાલયે ગયા મહિને જણાવ્યું હતું કે, “અમે આ કેસને બહુ મહત્વ આપી રહ્યા છીએ અને તમામ કાનૂની વિકલ્પો ચકાસવામાં વ્યસ્ત છીએ.” તમામ અધિકારીઓએ ભારતીય નેવીમાં ૨૦ વર્ષ સુધી ફરજ બજાવી હતી.