મુંબઈમાં એર ઈન્ડિયાની પ્રતિષ્ઠિત ઈમારતને આખરે નવો માલિક મળ્યાં છે.મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટે બુધવારે મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલી આ 22 માળની ઇમારતને ₹1601 કરોડમાં ખરીદીને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે એર ઈન્ડિયા પર લાદવામાં આવેલા અમુક દંડને પણ માફ કરવાનો નિર્ણય લીધો હતો.
આ બિલ્ડિંગ રાજ્યના સચિવાલયથી માત્ર 600 મીટરના અંતરે આવેલી છે. મહારાષ્ટ્રના મંત્રાલય ખાતે જગ્યાની ઘણા સમયથી અછત હતી ત્યારે કચેરીઓને ખસેડવા માટે હવે એક નવું સરનામું મળ્યું છે. એર ઈન્ડિયા બિલ્ડિંગની ડિઝાઈન વિશ્વ વિખ્યાત આર્કિટેક્ટ જ્હોન બર્ગીએ તૈયાર કરી હતી. આ બિલ્ડિંગ 1974માં બની હતી. રાજ્ય સરકારે એર ઈન્ડિયાને લીઝ પર આપેલી જમીન પર આ ઈમારત બાંધવામાં આવી હતી. મુંબઈના સૌથી જાણીતા સ્થળોમાં એર ઈન્ડિયા બિલ્ડંગનો સમાવેશ થાય છે.
એર ઈન્ડિયાએ તેનું હેડક્વાર્ટર મુંબઈથી ખસેડીને નવી દિલ્હી કર્યું હતું. તેના પાંચ વર્ષ પછી 2018માં એર ઈન્ડિયાએ તેની એસેટ મોનેટાઈઝ કરવાના ભાગરૂપે બિલ્ડિંગનો નિકાલ કરવાનો નિર્ણય લીધો હતો. લીઝ્ડ જમીન માટે એર ઈન્ડિયાએ સરકારને જે અનરિયલાઈઝ્ડ ઈન્કમ તરીકે 250 કરોડ આપવાના હતા તે પણ રદબાતલ કરવાનો નિર્ણય લેવાયો છે.
હાલમાં આ બિલ્ડિંગ એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડની માલકીની છે જે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં રચવામાં આવી હતી. અત્યારે આ ઈમારતના નવ માળ ખાલી છે.