ભારતમાં નોટબંધીની સાત વર્ષ પૂરા થવા પર નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે બુધવારે જણાવ્યું હતું કે આ અવિચારી નિર્ણયે ભારતના અર્થતંત્રની કમર તોડી નાખી હતી અને દેશ આ ઐતિહાસિક આપત્તિ માટે વડાપ્રધાનને માફ કરશે નહીં.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે નોટબંધી ભારતના અર્થતંત્ર અને આજીવિકા પર સૌથી મોટો હુમલો હતો. પાર્ટીના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ પગલું સામાન્ય લોકોના ખિસ્સા કાતરવાનું અને મિત્રોની તિજોરી ભરવાનું સુનિયોજિત કાવતરું હતું. ખડગેએ એક્સ પર જણાવ્યું હતું કે ભારતીયો હજુ પણ આ અવિચારી હુમલાના ઘા ઝીલી રહ્યા છે. મોદીજીએ 50 દિવસ માંગ્યાં હતા.
પરંતુ 7 વર્ષ પછી પણ લોકો જવાબ શોધી રહ્યાં છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નોટબંધી રોજગારને નષ્ટ કરવા, કામદારોની આવક રોકવા, નાના ઉદ્યોગોને ખતમ કરવા, ખેડૂતોને નુકસાન પહોંચાડવા અને અસંગઠિત અર્થવ્યવસ્થાને તોડવાનું એક સુનિયોજિત કાવતરું હતું. 99 ટકા સામાન્ય ભારતીયો પર હુમલો, 1 ટકા મૂડીવાદી ‘મોદી મિત્રો’ને ફાયદો. આ તમારા ખિસ્સા કાતરવાનું તથા પરમ મિત્રની ઝોળી ભરવાનું અને તેમને 609 ક્રમેથી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનાવવા માટેનું એક હથિયાર હતું.
કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોટબંધીની સાથે ખરાબ રીતે ડિઝાઇન કરાયેલ GSTએ ભારતના રોજગાર પેદા કરતા લઘુ અને મધ્યમ બિઝનેસને ખતમ કરી દીધા હતા. તેનાથી બેરોજગારીનો દર 45 વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યો હતો અને 2013માં શરૂ થયેલી આર્થિક રિકવરીની પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી.