છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન કરવા માટે આવતા મતદારો તેમના આઈડી કાર્ડ બતાવે છે, (ANI Photo)

ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ ગણાતી પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીના પ્રથમ તબક્કામાં મંગળવારે, આઠ નવેમ્બરે છત્તીસગઢની 20 બેઠકો અને મિઝોરમની તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

છત્તીસગઢ વિધાનસભાની પ્રથમ તબક્કાની 20 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આશરે 71 ટકા મતદાન થયું હતું, જ્યારે મિઝોરમ વિધાનસભાની તમામ 40 બેઠકો પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ આશરે 77 ટકા મતદાન થયું હતું. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા રમણ સિંહ, છત્તીસગઢ કોંગ્રેસના વડા અને સાંસદ દીપક બૈજ અને ભૂપેશ બઘેલ કેબિનેટના ઓછામાં ઓછા ત્રણ પ્રધાનોનું રાજકીય ભાવિ EVMમાં સીલ થયું હતું. છત્તીસગઢમાં નક્સલવાદ પ્રભાવિત જિલ્લામાં હિંસાની ઘટના નોંધાઈ હતી.

નક્સલવાદ પ્રભાવિત બસ્તર વિભાગમાં પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોની સુરક્ષા હેઠળ 10 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અને બાકીની 10 બેઠકો માટે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. પહેલા તબક્કાના મતદાન માટે લગભગ 1 લાખ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા હતાં.

ચૂંટણીપંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે છત્તીસગઢની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 70.87 ટકા મતદાન નોંધાયું હતું. જોકે આ આંકડો વધી શકે છે કારણ કે ઘણા બૂથમાંથી અંતિમ ડેટા પ્રાપ્ત થવાનો બાકી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 25 મહિલાઓ સહિત કુલ 223 ઉમેદવારો મેદાનમાં હતાં.

મંગળવારે મતદાન થયેલી કુલ 20 બેઠકોમાંથી 2018ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો કોંગ્રેસને અને બે બેઠકો ભાજપને મળી હતી. ગત વખતે કોંગ્રેસે રાજ્યની કુલ 90 બેઠકોમાંથી 68 બેઠકો જીતી હતી અને ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી.

મિઝોરમમાં એકંદરે 77.39 ટકા મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણીમા 81.61 ટકા હતું. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), મુખ્ય વિપક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસે તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજેપી 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે AAPએ ચાર ઉમેદવાર ઊભા રાખ્યાં છે.

LEAVE A REPLY