છત્તીસગઢ વિધાનસભાની 20 બેઠકો અને મિઝોરમની તમામ 40 બેઠકો માટે આજે મતદાન થશે. બંને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શનિવારની સાંજે શાંત થયાં હતાં. આદિવાસીઓના પ્રભુત્વ ધરાવતા છત્તીસગઢમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે અને તેની ભાજપ સામે ટક્કર છે. ચૂંટણી રિઝલ્ટ ત્રણ ડિસેમ્બરે જાહેર થશે.
છત્તીસગઢની ચૂંટણી પ્રચારના પ્રથમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાદેવ સટ્ટાબાજી એપ કૌભાંડના મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ પર પ્રહારો કર્યા હતા. ભાજપના નેતાઓ ધર્મ પરિવર્તન, કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને ભ્રષ્ટાચારના મુદ્દા પણ ઉઠાવ્યાં હતાં.
મિઝોરમમાં, મુખ્ય પ્રધાન જોરામથાંગાના મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)એ 2018માં 40 માંથી 28 બેઠકો પર વિજય મેળવ્યો હતો. મુખ્ય વિપક્ષી પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM), અને કોંગ્રેસે દરેકે 40 ઉમેદવારોને ઉમેદવારો ઊભા રાખ્યાં છે.
કોંગ્રેસે ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ અને દલિતો માટે બઘેલ સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના આધારે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ ઉદ્યોગપતિ મિત્રોને લાભ કરવાના મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતાં.
છત્તીસગઢમાં મતદાન થવાનું છે તે 20 બેઠકો નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના સાત જિલ્લાઓ અને અન્ય ચાર જિલ્લાઓમાં આવેલી છે. મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટા મતવિસ્તારમાં મતદાન સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી થશે. બાકીની 10 બેઠકો પર સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.
પ્રથમ તબક્કામાં 25 મહિલાઓ સહિત 223 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. પ્રથમ તબક્કામાં કુલ આશરે 40.78 લાખ મતદારો છે, જેમાં 19,93,937 પુરૂષ અને 20,84,675 મહિલાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા માટે 5304 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં સત્તાધારી કોંગ્રેસના અગ્રણી ઉમેદવારોમાં રાજ્ય કોંગ્રેસના વડા અને સાંસદ દીપક બૈજ (ચિત્રકોટ), મંત્રીઓ કાવાસી લખમા (કોન્ટા), મોહન મરકામ (કોંડાગાંવ) અને મોહમ્મદ અકબર (કવર્ધા) અને છવીન્દ્ર કર્મા (દંતેવાડા)નો સમાવેશ થાય છે.
આ તબક્કામાં ભાજપના મુખ્ય ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમણ સિંહ (રાજનંદગાંવ) તથા ભૂતપૂર્વ રાજ્ય પ્રધાનો કેદાર કશ્યપ (નારાયણપુર), લતા તેનેન્ડી (કોંડાગાંવ), વિક્રમ યુસેન્ડી (અંટાગઢ) અને મહેશ ગગડા (બીજાપુર)નો સમાવેશ થાય છે.
2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ 20માંથી 17 બેઠકો જીતી હતી. 90 સભ્યોના ગૃહમાં કોંગ્રેસ પાસે 71 બેઠકો છે. રાજ્યની બાકીની 70 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે, જ્યારે રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે