સોમવારે નવી દિલ્હીમાં એન્ટી સ્મોગ ગન વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે પાણીનો છંટકાવ કરે છે.(ANI Photo)

હવાના પ્રદૂષણથી દિલ્હી ગેસ ચેમ્બર બની છે ત્યારે શહેરના ડોક્ટરોએ લોકોને ચેતવણી આપી છે કે હવાના પ્રદૂષણથી માત્ર ફેફસાંને જ અસર થતી નથી, પરંતુ તેનાથી તમામ વયજૂથના લોકોના હાર્ટ અને મગજ જેવા શરીરના બીજા મુખ્ય અવયવોને પણ માઠી અસર થાય છે.

સફદરજંગ હોસ્પિટલના પલ્મોનરી મેડિસિન વિભાગના વડા ડૉ. નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ખાસ કરીને વૃદ્ધો, શાળાએ જતા બાળકો અને સગર્ભા સ્ત્રીઓ જેવા લોકોમાં માથાનો દુખાવો, અસ્વસ્થતા, બળતરા, મૂંઝવણ અને જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં ઘટાડો જેવા કેસોમાં અચાનક વધારો થયો છે. ન્યુરોકોગ્નિટિવ ક્ષમતાને હવામાં વધતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ સાથે સીધો સંબંધ છે, કારણ કે તે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. તેથી ગેસ ચેમ્બર એ ટેકનિકલી સાચો શબ્દ છે.

ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે અમેરિકાના નોર્થ કેરોલિનામાં શાળાએ જતા બાળકોમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) બાળકોની ગાણિતિક ક્ષમતાઓ પર સીધી અસર કરે છે. તેથી ઝેરી હવાના સંપર્ક ન આવવું જોઇએ.  ખાસ કરીને અસ્થમા, ક્રોનિક પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) અને  હૃદય રોગ જેવી બિમારી ધરાવતા લોકોએ ઘરમાં જ રહેવું જોઇએ અને ઉપચારાત્મક પગલાં લેવા જોઇએ.

રવિવારે સતત છઠ્ઠા દિવસે દિલ્હીમાં ઝેરી ધુમ્મસ છવાયેલો રહ્યો હતો. હવાની પ્રતિકૂળ સ્થિતિ, રાત્રી દરમિયાન ઠંડા પવનો સહિતના વિવિધ પરિબળને કારણે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રદૂષણ ગંભીર પ્લસ કેટેગરીમાં રહ્યું હતું. AQI શનિવારે સાંજે 4 વાગ્યે 415 હતો, જે રવિવારે સવારે 7 વાગ્યે 460 થયો હતો.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે શહેરની હોસ્પિટલોમાં છેલ્લા કેટલાંક દિવસોથી શ્વાસની તકલીફોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ઘણા અભ્યાસમાં બહાર આવ્યું છે કે હવાના પ્રદૂષણને મગજના સ્ટ્રોક, ડિમેન્શિયા અને જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો જેવા જોખમો વધે છે. પ્રદૂષણથી વિવિધ અવયવો સામે જોખમ ઊભું થતું હોવાથી પ્રદૂષણમાં ઘટાડો કરવા માટેના કાયમી પગલાં લેવાની તાતી જરૂરિયાત છે. દર શિયાળામાં, હવાની ગુણવત્તા ખરાબ સ્તરે જાય છે અને ઘણી ચર્ચાઓ થાય છે, પરંતુ કોઈ નક્કર ટકાઉ પગલાં લેવામાં આવતાં નથી.

તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં ચેપ અને છાતી જકડાઈ જવી જેવી બિમારી ઉપરાંત દર્દીઓ ચિંતા, મૂંઝવણ અને ચીડિયાપણું વધવાની ફરિયાદ કરે છે. આ પ્રદૂષણ એક મોટી કટોકટી છે જેનો તાકીદે ઉકેલ લાવવાની જરૂર છે.

LEAVE A REPLY