રાજકોટમાં આશરે રૂ.100 કરોડના ખર્ચે એક વર્ષ પહેલા તૈયાર થયેલા બ્રિજમાં તિરાડ દેખાતા વહીવટીતંત્ર દોડતું થયું હતું. શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં બનાવવામાં આવેલ ટ્રાય એંગલ બ્રિજમાં છતના ભાગે તિરાડ જોવા મળી હતી. તેનાથી અધિકારીઓનો કાફળો દોડતો થયો હતો. કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
હજુ એક જ વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલ ચોકના ટ્રાયએંગલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી આ મામલે મનપાનાં સિટી એન્જિનિયરો સાથે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. જે બાદ જવાબદાર અધિકારીઓ સાથે મેયર અને સ્ટેડિંગ ચેરમેને સ્થળ પર જઈને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
આ અંગેની માહિતી મળ્યા પછી શહેરના મેયર નયના પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જવાબદાર અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલના બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. મેયર નયના પેઢડીયાએ જણાવ્યું હતું કે, જે કોઈ નાની-મોટી ક્ષતિ હશે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આ કોઈ મોટી ક્ષતી નથી. તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની એન્જિનિયરોને સૂચના અપાઈ છે.