ભારત ટૂંક સમયમાં અમેરિકાના સિએટલમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ ખોલવા માટે તૈયાર છે અને તે આ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. ભારતે આ નવી પહેલની જાહેરાત આશરે સાત વર્ષ પહેલા કરી હતી.
જૂનમાં વોશિંગ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડન વચ્ચેની વાટાઘાટો પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત આ વર્ષના અંતમાં સિએટલમાં તેના નવા વાણિજ્ય દૂતાવાસને કાર્યરત કરશે.
એવું જાણવા મળે છે કે 2002 બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી પ્રકાશ ગુપ્તા સિએટલ મિશનમાં કોન્સ્યુલેટ-જનરલ હશે.પ્રકાશ ગુપ્તા હાલમાં વિદેશ મંત્રાલય (MEA) ખાતે સંયુક્ત રાષ્ટ્રના રાજકીય વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. ભારતે સૌપ્રથમ 2016માં સિએટલમાં કોન્સ્યુલેટ ખોલવાની તેની યોજના જાહેર કરી હતી.
જૂનના ભારત-યુએસ સંયુક્ત નિવેદનમાં બંને પક્ષો દ્વારા નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમેરિકા બેંગલુરુ અને અમદાવાદમાં ભારતમાં બે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવા માટે પ્રક્રિયા શરૂ કરવા માંગે છે.