છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ચોંકાવનારો દાવો કર્યો હતો કે યુએઇથી ઓપરેટ થતાં મહાદેવ સટ્ટાબાજી એપના પ્રમોટર્સે છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને અત્યાર સુધીમાં આશરે રૂ.508 કરોડ ચૂકવ્યા છે અને આ બાબત તપાસનો વિષય છે. ફોરેન્સિક એનાલિસિસ અને ‘કેશ કુરિયર’ અસિમ દાસના નિવેદનને આધારે ઇડીએ આ ધડાકો કર્યો હતો. તેનાથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આક્ષેપબાજીને વેગ મળ્યો હતો.
ઇડીએ કથિત એજન્ટ અસિમ દાસની રાયપુરમાંથી ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂ.5.39 કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. એજન્ટને કથિત રીતે યુએઇમાંથી એપ પ્રમોટર્સ દ્વારા ખાસ કરીને સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે મોટી રકમની રોકડ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હતો.

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અસીમ દાસે સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલ ભંડોળની વ્યવસ્થા મહાદેવ એપના પ્રમોટર્સ કરી હતી અને તે છત્તીસગઢમાં ચૂંટણી ખર્ચ માટે એક રાજકારણી ‘બઘેલ’ને પહોંચાડવાના હતા. અસીમ દાસની પૂછપરછ, તેની પાસેથી મળેલા ફોનની ફોરેન્સિક તપાસ તથા મહાદેવ નેટવર્કના હાઇ રેન્કિંગ આરોપી શુભમ સોનીની તપાસથી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે કે મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ભૂતકાળમાં નિયમિત પેમેન્ટ થયું હતું અને અત્યાર સુધી આશરે રૂ.508 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ આરોપો તપાસને આધિન છે.

તપાસ એજન્સીએ અગાઉ જણાવ્યું હતું કે મહાદેવ એપની કથિત ગેરકાયદેસર કમાણી રાજ્યના રાજકારણીઓ અને અમલદારોને લાંચ તરીકે આપવામાં આવી હતી. એજન્સીએ ગુરુવારે દાસને ગુપ્ત માહિતીના આધારે ઝડપી લીધો હતો. 7 અને 17 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મહાદેવ એપના પ્રમોટર્સ મોટાપાયે રોકડ રકમ ખસેડી રહ્યાં હોવાની ઇડીને ગુપ્ત માહિતી મળી હતી. રાજ્યના દુર્ગ જિલ્લાના ભિલાઈ ખાતેની હોટેલ ટ્રાઈટનમાં પાર્ક કરાયેલી એસયુવીમાંથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

એજન્સીએ કહ્યું કે તેને મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતાઓ પણ શોધ્યા છે, જેમાં 15.59 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે અને તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ફ્રીઝ કરવામાં આવ્યા છે.આ જપ્તી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભીમ યાદવની પણ ધરપકડ કરાઈ છે.

LEAVE A REPLY