ભારતમાં તહેવારો નવરાત્રિના તહેવાર દરમિયાન ઓક્ટોબર મહિનામાં પેસેન્જર વ્હીકલનું જથ્થાબંધ વેચાણ વિક્રમી સ્તરે નોંધાયું હતું. ઓક્ટોબરમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 16 ટકા વધીને 3,91,472 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 3,36,679 યુનિટ હતું. મારુતિ સુઝુકી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પેસેન્જર વ્હીકલનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ દર્શાવ્યું હતું. મારુતિ સુઝુકી ઈન્ડિયાનું ઓક્ટોબરમાં ડીલરોનું વેચાણ 21 ટકા વધીને 1,77,266 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 1,47,072 યુનિટ હતું. કોઈપણ મહિનામાં કોઈપણ વર્ષમાં તેનું આ સૌથી વધુ વેચાણ છે. મિનિ સેગમેન્ટ કાર અલ્ટો અને એસ-પ્રેસોનું વેચાણ ઘટીને 14,568 યુનિટ થયું હતું, જે ગત વર્ષે ઓક્ટોબરમાં 24,936 યુનિટ હતું. કોમ્પેક્ટ સેગમેન્ટ (બલેનો, સિલેરિયો, ડિઝાયર, ઈગ્નિસ, સ્વિફ્ટ, ટૂર એસ અને વેગનઆર)માં વેચાણ વધીને 80,662 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 73,685 યુનિટ હતું. યુટિલિટી વ્હીકલ્સ (બ્રેઝા, ગ્રાન્ડ વિટારા, અર્ટિગા, એક્સએલ6)નું વેચાણ 91 ટકા વધીને 59,147 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 30,971 યુનિટ હતું.

હરીફ કંપની હ્યુન્ડઈ મોટર કંપનીનું સ્થાનિક વેચાણ 15 ટકા વધીને 55,128 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 48,001 યુનિટ હતું. કંપનીએ કહ્યું હતું કે પેન્ટ-અપ ડિમાન્ડ ન હોવા છતાં તહેવારોને કારણે નવી માંગ વધી હતી જેને કારણે કારનું વેચાણ વધ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ઓક્ટોબરનું યુટિલિટી વ્હીકલનું વેચાણ 36 ટકા વધીને 43,708 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 32,226 યુનિટ હતું. તહેવારોને કારણે નવેમ્બરમાં પણ માંગ સારી રહેશે તેમ કંપનીએ કહ્યું હતું. સપ્લાય સંબંધિત પડકારો પર નજર રાખવી પડશે તેમ તેણે કહ્યું હતું ટાટા મોટર્સનું ઈલેક્ટ્રિક વાહનો સહિતનું કુલ પેસેન્જર વ્હીકલ હોલસેલ વેચાણ સ્થાનિક બજારમાં 7 ટકા વધીને 48,337 યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં 45,217 યુનિટ હતું. ટોયોટા કિર્લોસ્કર મોટરનું વેચાણ 66 ટકા વધીને 21,879 યુનિટ થયું હતું. દરેક સેગમેન્ટમાં તેનું વેચાણ વધ્યું હતું. કિયા ઈન્ડિયાનું વેચાણ 4.4 ટકા વધીને 24,351 યુનિટ થયું હતું. સતત ચોથા મહિને સર્વોચ્ચ વેચાણ થયું હતું. અશોક લેલેન્ડનું કુલ વેચાણ 13 ટકા વધીને 16,864 યુનિટ થયું હતું. સ્થાનિક વેચાણ 14 ટકા વધીને 15,759 યુનિટ થયું હતું.

LEAVE A REPLY