ફાઇલ ફોટો 2023. REUTERS/Mohsin Raza

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે. સુપ્રીમ કોર્ટમાં વિવિધ પિટિશનની સુનાવણી દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ના વકીલે ગુરુવારે આ તારીખની જાહેરાત કરી હતી.

નેશનલ એસેમ્બલી ભંગ કર્યાના ૯૦ દિવસની અંદર ચૂંટણી યોજવા અંગે દાખલ કરવામાં આવેલી અનેક પિટિશનની સુનાવણી દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને ચૂંટણીની તારીખ બતાવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને ચૂંટણી પંચે જાન્યુઆરીમાં ચૂંટણી યોજાવાની જાહેરાત કરી હતી, પણ તારીખ આપી ન હતી. પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતીએ જણાવ્યું હતું કે મત વિસ્તારોની અંતિમ યાદી પાંચ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

શરૂઆતમાં ECPએ કહ્યું હતું કે ચૂંટણી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં યોજાશે, પરંતુ રાજકીય પક્ષોની માંગણી છતાં કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી ન હતી. નેશનલ એસેમ્બલીના વિસર્જન બાદ ચૂંટણી યોજવા માટેની 90 દિવસની સમયમર્યાદા 7 નવેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી.

જો કે, ECP એ તે જ વર્ષે માર્ચ અને એપ્રિલમાં સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલી નવેસરથી વસ્તી ગણતરીના આધારે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો.

એપ્રિલ 2022માં નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઈમરાન ખાન સરકારને હટાવ્યા બાદ પાકિસ્તાન રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. દેશ પણ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ચૂંટણી પંચે ઈમરાન ખાન પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈમરાન ખાન વિરુદ્ધ સેંકડો કેસ ચાલી રહ્યા છે, જેમાં તોશાખાનાનો કેસ મુખ્ય છે. આ સિવાય જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી પણ આરોપી છે.

 

LEAVE A REPLY