યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્ક ((UCCN)માં ભારતના ગ્વાલિયર અને કોઝિકોડ સહિત વિવિધ દેશોના 55 નવા શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો ‘સંગીત’ કેટેગરી માટે અને કેરળના કોઝિકોડનો ‘સાહિત્ય’ કેટેગરી માટે આ પ્રતિષ્ઠિત યાદીમાં સમાવેશ કરાયો છે.
વર્લ્ડ સિટીઝ ડે પર યુનેસ્કોએ મંગળવારે તેની સત્તાવાર વેબસાઇટ પર આ જાહેરાત કરી હતી. યુનેસ્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસ વ્યૂહરચનાના ભાગ રૂપે સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવાની તથા માનવ-કેન્દ્રિત શહેરી આયોજનમાં નવીન પ્રણાલીઓ પ્રદર્શિત કરવાની મજબૂત પ્રતિબદ્ધતા માટે આ શહેરોનું બહુમાન કરવામાં આવ્યું છે.
યુનેસ્કોએ નવા 55 શહેરોની યાદી જાહેર કરી હતી. ઉઝબેકિસ્તાનના પ્રાચીન શહેર બુખારાનો હસ્તકલા અને લોકકલા માટે, મોરોક્કોના કાસાબ્લાન્કાનો મીડિયા આર્ટસ, ચીનના ચોંગકિંગનો ડિઝાઇન માટે નેપાળના કાઠમંડુનો ફિલ્મ માટે, રિયો ડી જાનેરોનો સાહિત્ય તથા મોંગોલિયાની રાજધાની ઉલાનબાતારનો હસ્તકલા અને લોકકલા માટે સમાવેશ કરાયો છે.
નવા શહેરોના સમાવેશ સાથે યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં સામેલ શહેરોની સંખ્યા વધી 350 થઈ છે. યુનેસ્કો હસ્તકલા અને લોકકલા, ડિઝાઇન, ફિલ્મ, ગેસ્ટ્રોનોમી, સાહિત્ય, મીડિયા કલા અને સંગીત સહિતના સાત રચનાત્મક ક્ષેત્રો માટે શહેરોનો સમાવેશ કરે છે. નવા ક્રિએટિવ સિટીઝને પોર્ટુગલના બાગ્રામાં 2024 UCCN વાર્ષિક કોન્ફરન્સ (1-5 જુલાઈ, 2024)માં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.