બેન્ક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીઓની લંડન, દુબઇ અને ભારતમાં રહેલી આશરે રૂ.538 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. ટાંચમાં લેવાયેલી મિલકતોમાં 17 રહેણાંક ફ્લેટ, બંગલા અને કોમર્શિયલ સ્પેસ સમાવેશ થાય છે.
ઇડીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લંડન, દુબઈ અને ભારતના વિવિધ શહેરોમાં આવેલી આ મિલકતો જેટલાઇટ પ્રાઈવેટ લિમિટેડ અને જેટ એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ જેવી કંપનીઓ તથા ગોયલ, તેમની પત્ની અનિતા અને પુત્ર નિવાનના નામે છે. આ સંપત્તિઓની કુલ કિંમત રૂ.538.05 કરોડ છે.
ઇડીએ પહેલી સપ્ટેમ્બરે 74 વર્ષના નરેશ ગોયલની ધરપકડ કરી હતી તથા મંગળવારે મુંબઈની સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. નરેશ ગોયલ ન્યાયિક કસ્ટડીમાં છે અને હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
નાણાભીડને પગલે ફુલ-સર્વિસ કેરિયર જેટ એરવેઝે એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. આ પછી ગોયલે એરલાઇનના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.
મુંબઇ સ્થિત કેનેરા બેન્કેની ફરિયાદને પગલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ કેસ દાખલ કર્યો હતો. આ કેસને આધારે ઇડીએ મની લોન્ડરિંગ તપાસ ચાલુ કરી છે. બેંકની ફરિયાદ મુજબ, જેર એરવેઝ, તેના પ્રમોટર્સ અને ડિરેક્ટરોએ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ફોજદારી ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂકના ગુના કર્યા હતા, જેના પરિણામે બેન્કે તેમની આપેલી રૂ.538.62 કરોડની લોન એનપીએ બની હતી.
ઇડીએ જણાવ્યું હતું કે જેટ એરવેઝે એસબીઆઇ અને પીએનબીની આગેવાની હેઠળના બેન્કોના કોન્સોર્ટિયમની લોનની ઉચાપત કરી હતી અને નરેશ ગોયલે મોટું નાણાકીય કૌભાંડ આચર્યું હતું. જેટ એરવેઝના ફંડને જેટલાઇટ લિમિટેડમાં ડાઇવર્ટ કર્યું હતું.