ઈન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પસંદગી સમિતિના અધ્યક્ષ પદેથી સોમવારે રાજીનામું આપ્યું હતું. ભારતમાં રમાઇ રહેલા વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન સાથે જોડાયેલા હિતોના સંઘર્ષના આરોપોને લઈને તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
વર્લ્ડકપ 2023માં સતત ચોથી હાર બાદ ઇન્ઝમામે પોતાનું રાજીનામું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા ઝકા અશરફને મોકલી આપ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર ઇન્ઝમામને 6 મહિનાથી પગાર મળ્યો નથી અને રાજીનામા બાદ બોર્ડે ઈન્ઝમામને 1.5 કરોડ પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડશે. ઈન્ઝમામનો માસિક પગાર 25 લાખ પાકિસ્તાની રૂપિયા હતો.
બાબર સહિતના પાકિસ્તાનના ટોચના ખેલાડીઓના માર્કેટિંગ સહિતની જવાબદારી સંભાળતા એજન્ટની કંપનીના માલિકોમાં ઈન્ઝમામ પણ સામેલ હોવાનો ખુલાસો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ મીડિયાના રિપોર્ટને પગલે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ હિતોના ટકરાવનો તો કોઈ મામલો નથી ને તે અંગે તપાસ કરશે.
ઈન્ઝમામે પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે, લોકો કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના જ આક્ષેપો કરતાં હોય છે. મારી પર આક્ષેપ મૂકાયો છે અને એટલે મેં રાજીનામું આપ્યું છે. મારે ખેલાડીઓના એજન્ટની કંપની સાથે કોઈ સંબંધ નથી.