જી-સેવન દેશોના વેપાર અને આર્થિક અધિકારીઓએ વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં એનર્જી અને ફૂડ જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેઇનને સુનિશ્ચિત કરવા સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને રવિવારે મજબૂત બનાવી હતી.
આ ધનિક દેશોના અધિકારીઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રો કાયદાના શાસન આધારિત મુક્ત અને ન્યાયી ટ્રેડિંગ સિસ્ટમ જાળવી રાખવાનું તથા આર્થિક પ્રતિકારક્ષમતા અને આર્થિક સુરક્ષામાં વધારો કરવાનું વચન આપે છે.
જાપાનના ઓકાસા શહેરમાં યોજાયેલી બે દિવસની બેઠકમાં જાપાનના વિદેશ પ્રધાન યોકો કામિકાવાએ યુક્રેન પર રશિયાના આક્રમણ અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને ઊર્જા અને ખાદ્ય પુરવઠા માટેના નવાં જોખમો ગણાવ્યાં હતાં.
ધનિક દેશોમાં કોમ્પ્યુટર ચિપ્સ તેમજ લિથિયમ જેવા આવશ્યક ખનિજોનો સ્થિર પુરવઠો જાળવવા અંગે ચિંતા વધી રહી છે. હાલના દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય ગ્રીન એનર્જીની માંગ વચ્ચે આ સપ્લાય મહત્ત્વપૂર્ણ છે.
G-7માં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને બ્રિટનનો સમાવેશ થાય છે. બે દિવસીય બેઠકમાં ભાગ લેવા માટે યુરોપિયન યુનિયન, ઑસ્ટ્રેલિયા, ચિલી, ભારત, ઇન્ડોનેશિયા અને કેન્યાને આમંત્રણ આપવામાં આવ્યું હતું
G-7 દેશોએ તેમના સંયુક્ત નિવેદનમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાની ટીકા કરીને જણાવ્યું હતું કે યુક્રેન સામે રશિયાએ ક્રૂર, ઉશ્કેરણી વગરનું, ગેરવાજબી અને ગેરકાયદેસર આક્રમણ કર્યું છે.
ચીન સાથે રાજકીય તંગદિલી વચ્ચે વેપાર એક મુખ્ય મુદ્દો હતા. જોકે બેઠકમાં ચીનનો સીધો ઉલ્લેખ કરાયો ન હતો. બેઠકમાં ચીન ગેરહાજર રહ્યું હતું. ચીને કોમ્પ્યુટર ચિપ્સ અને સોલાર સેલમાં વપરાતી બે ધાતુઓ ગેલિયમ અને જર્મેનિયમ પર નિકાસ નિયંત્રણો લાદ્યા છે.
યજમાન રાષ્ટ્ર તરીકે જાપાને તેના સીફૂડની આયાત પર ચીને મુકેલા પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો હતો. જાપાનને તેના ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટનું વેસ્ટવોટર દરિયામાં છોડ્યા પછી ચીને આ પગલાં લીધા હતા.