ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના પ્રેસિડન્ટ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે વાતચીત કરી હતી અને પશ્ચિમ એશિયામાં કથળતી જતી સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
અલ-સીસી સાથેની તેમની ટેલિફોનિક વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ, હિંસા અને નાગરિકોની જાનહાનિ અંગે અમે ચિંતિત છીએ. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના તથા માનવતાવાદી સહાયની સુવિધાની જરૂરિયાત પર સંમત છીએ.
ઇજિપ્ત તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કે પ્રેસિડન્ટ અલ-સીસીને વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો હતો અને બંને નેતાઓએ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી અંગેની તાજેતરની ગતિવિધિ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. બંને નેતાઓ યુદ્ધની ગંભીરતાની ચર્ચાવિચારણા પણ કરી હતી, કારણ કે તેનાથી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા સામે જોખમ ઊભું થાય છે અને નાગરિકોના જીવન પર મોટી અસર થાય છે.
ઇજિપ્તના પ્રેસિડન્ટના પ્રવક્તા કાઉન્સેલર અહેમદ ફાહમીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ અલ-સીસીએ પુષ્ટિ કરી હતી કે ઇજિપ્ત યુદ્ધવિરામ માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોના સંકલનના પ્રયાસો કરી રહ્યું છે. પ્રેસિડન્ટે ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ આક્રમણની ગંભીર માનવતાવાદી અને સુરક્ષા અસરો અંગે ચેતવણી આપી હતી.
નિવેદનમાં જણાવ્યા અનુસાર બંને નેતાઓએ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીના ઉત્કૃષ્ટ સ્તર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત અને ઇજિપ્ત વચ્ચેના સંયુક્ત સહકારને વધુ મજબૂત બનાવવાની અને સંસ્થાઓનું આગેવાની કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.