REUTERS/Mike Segar

યુએન જનરલ એસેમ્બલીમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની માગણી કરતાં એક ઠરાવ પર મતદાન કરવાથી ભારત અને યુકે ગેરહાજર રહ્યાં હતાં. આ ઠરાવમાં ગાઝા પટ્ટીમાં અવિરત માનવતાવાદી પ્રવેશ માટેની પણ માગણી કરાઈ હતી.

193 સભ્યોની યુએન જનરલ એસેમ્બલીમાં જોર્ડને આ ઠરાવ રજૂ કર્યો હતો. તેને બાંગ્લાદેશ, માલદિવ, પાકિસ્તાન, રશિયા અને સાઉથ આફ્રિકા સહિતના 40થી વધુ દેશોએ સમર્થન કર્યું હતું. આ ઠરાવના સમર્થનમાં 120 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે 14 દેશોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 45 દેશો મતદાનથી દૂર રહ્યાં હતા. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા. કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુકેએ મતદાન કર્યું ન હતું.

આ ઠરાવ પર મતદાન પહેલા કેનેડાએ આ સુધારા દરખાસ્ત કરી હતી. તેમાં ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવાની અને 7 ઓક્ટોબર 2023ના ઇઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરવાનું સૂચન હતું. જોકે જનરલ એસેમ્બલીએ આ ઠરાવ ફગાવી દીધો હતો. ભારતે બીજા 87 દેશો સાથે આ સુધારાની તરફેણમાં મતદાન કર્યું હતું.

જનરલ એસેમ્બલીમાં ભારતના આ વલણની કોંગ્રેસ સહિતના વિપક્ષે ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભારતના આ પગલાથી હું હેરાન છું અને શરમ અનુભવી રહી છું. જયારે માનવતા સાથે દરેક કાયદાને બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે તો આવા સમયમાં પોતાનું સ્ટેન્ડ નક્કી ન કરવું અને મૌન રહી જોતા રહેવું ખોટું છે.

પ્રિયંકા ગાંધીને જવાબ આપતા ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે, ભારત પેલેસ્ટાઈનની સાથે ઉભુ છે. પરંતુ પ્રિયંકા ગાંધી મત માટે આતંકવાદી હમાસ સાથે ઉભા છે. પ્રિયંકા ગાંધી મત માટે શું-શું કરશો? અમે પેલેસ્ટાઈનના અસ્તિત્વ માટે કાલે પણ ઊભા હતા અને આજે પણ ઊભા છીએ. પરંતુ હમાસ જેવા આતંકવાદીનો પક્ષ કોંગ્રેસ જ લઈ શકે છે સામાન્ય લોકો તો ન લઈ શકે. હમાસ કોઈ ક્રાંતિકારી સંગઠન નથી. હમાસ એક ઉગ્રવાદી સંગઠન છે. હમાસ માનવતા ઉપર એક કલંક છે. અને કોંગ્રેસને કલંક પસંદ છે.

LEAVE A REPLY