ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયો મલિકની રાજ્યમાં કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ભ્રષ્ટાચારના કેસમાં કેન્દ્રીય એજન્સીઓએ ધરપકડ કરી હોય તેવા મલિક મમતા સરકારના બીજા કેબિનેટ પ્રધાન છે. ગયા વર્ષે સ્કૂલ જોબ કૌભાંડમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની EDએ ધરપકડ કરી હતી.
મલિકની 17-18 કલાકની લાંબી પૂછપરછ કરાઈ હતી. આ પછી શુક્રવારે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી. મલિક હાલમાં રાજ્યના વન પ્રધાન છે અને અગાઉ ખાદ્યાન્ન અને પુરવઠાનો પોર્ટફોલિયો સંભાળતાં હતાં.
એજન્સીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલકાતાની બહારના સોલ્ટ લેક વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી મલિકને સવારે 3.30 વાગ્યે કેન્દ્રીય એજન્સીની ઓફિસમાં લઈ જવામાં આવ્યાં હતાં. ત્રણ કલાકના મેડિકલ ચેક-અપ પછી પ્રધાનને સ્થાનિક કોર્ટમાં કરાયાં હતાં અને કોર્ટમાં તેઓ બેહોશ થઈ ગયાં હતાં.
કોર્ટમાં ઇડીએ જણાવ્યું હતું કે મલિકે ગઇકાલે પૂછપરછ દરમિયાન સહકાર આપ્યો ન હતો અને વિરોધાભાષી નિવેદનો આપતાં હતાં. બિમાર હોવાનું કારણ રજૂ કરીને પ્રશ્નોના જવાબ આપતા ન હતાં.
ઇડીએ ધરપકડ કર્યા પછી મલિકે આક્ષેપ કર્યો હતો કે હું એક મોટા ષડયંત્રનો શિકાર બન્યો છું. ભાજપ અને તેના નેતા સુવેન્દુ અધિકારીએ કાવતરું ઘડ્યું હતું. EDએ અગાઉ મંત્રી બકીબુર રહેમાનના એક વિશ્વાસુની ધરપકડ કરી હતી. એજન્સી હવે બંનેને સાથે રાખીને પૂછપરછ કરે તેવી ધારણા છે.
અગાઉ ગુરુવારે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ધમકી આપી હતી કે જો મલિકને પૂછપરછ દરમિયાન કંઈ થશે તો તેઓ કેન્દ્રીય એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે.