મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ થનારી ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે ઝડપી કામગીરી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્ત્વનો આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. વિવિધ તબક્કાની કામગીરી વચ્ચે હવે અમદાવાદ, આણંદ અને વાપી સહિત સુરત ખાતે નિર્માણાધીન રેલવે સ્ટેશનમાં પણ રેલ લેવલના સ્લેબ સુધીની કામગીરી થઇ રહી છે.
સુરતમાં અંત્રોલી ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની રેલ લેવલ સ્લેબ અને કોન્સર્સની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે. આ પ્રોજેક્ટમાં સ્ટેશનોમાં વૈશ્વિકસ્તરની સુવિધા મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરતમાં અંત્રોલી ખાતે બની રહેલા સ્ટેશનની કામગીરી પણ વેગવંતી બની છે.
58 હજાર સ્કવેર મીટર કરતાં વધુ વિસ્તારમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનના આગળના ભાગને ડાયમંડનો આકાર આપવામાં આવશે. સ્ટેશનની ઉંચાઈ 26.3 મીટર રાખવામાં આવી છે અને 450 મીટર લાંબી ટ્રેનના લેવલ જેટલી જ લંબાઈ ધરાવતા કોન્સર્સ બનાવવામાં આવી રહ્યાં છે.
અત્યારસુધી આ પ્રોજેક્ટમાં પાઈલિંગ, પિઅર અને હવે સુપર સ્ટ્રક્ચરનું કામ પણ ખાસ કરીને ગુજરાતમાં આવતા હિસ્સામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે સુપર સ્ટ્રક્ચર ઉપર આ ટ્રેક બિછાવવા માટેનું સંપૂર્ણ કામ જે ગુજરાતમાં આવતા હિસ્સામાં આવે છે, તે માટેના કરાર કરવામાં આવ્યા છે. અત્યારે, ટ્રેકના કામ માટે સામગ્રીની ખરીદી અગ્રિમ તબક્કામાં છે. જાપાનમાંથી 14,000 મેટ્રિક ટનથી વધારે JIS રેલ, કાસ્ટિંગ ટ્રેક સ્લેબ માટે 50 મોલ્ડ મળી ચૂક્યા છે. ટ્રેક સ્લેબનું ઉત્પાદન આ માટેની ફેક્ટરીઓમાં થવાનું છે અને આવી બે ફેક્ટરીઓ શરૂ થઈ ચૂકી છે.