અમેરિકાની મૈને રાજ્યના લોવિસ્ટન શહેરમાં બુધવારની સાંજે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા હતા. હુમલાખોરને પોલીસ ઝડપી શકી ન હતી અને તેથી લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. આ ઘટના પછી મૈનેની એક કાઉન્ટીમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે બંદૂકધારીને પકડવા માટે એક ઓપરેશન શરૂ કર્યું હતું. હુમલાખોરોની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ હતી.
સિટી કાઉન્સિલર રોબર્ટ મેકકાર્થીએ સીએનએનને જણાવ્યું હતું કે બૌલિંગ એલી અને બીજા એક સ્થળ લોકલ રેસ્ટોરા પર થયેલા ફાયરિંગમાં મૃત્યુઆંક વધીને 22 થયો છે. સ્થાનિક પોલીસે ફેસબુક પર શૂટરનો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે બૌલિંગ એલીમાં સેમિ ઓટોમેટિક સ્ટાઇલનું હથિયાર લઈને જાય છે. દાઢીવાળા વ્યક્તિએ બ્રાઉન ટોપ, બ્લુ પેન્ટ અને બ્રાઉન શૂઝ પહેર્યા હતા અને પોલીસે તેની ઓળખની માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને તાત્કાલિક તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ જો બાઇડનને આ અંગે માહિતી આપવામાં આવી હતી. સીએનએનએ અહેવાલ આપ્યો હતો કે આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 50 થી 60 લોકો ઘાયલ થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ વર્ષે 500થી વધુ ફાયરિંગની ઘટના નોંધાઈ છે.
40 વર્ષીય શકમંદ હુમલાખોર રોબર્ટ કાર્ડ નિવૃત મિલિટરી ઓફિસર છે અને ઘરેલુ હિંસામાં ભૂતકાળમાં તેની ધરપકડ થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં, તેને અવાજો સાંભળવા સહિત માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની જાણ કરી હતી અને સાકોમાં લશ્કરી તાલીમ બેઝ પર હુમલાની ધમકી આપી હતી. તેને 2 અઠવાડિયા માટે માનસિક સ્વાસ્થ્ય સુવિધામાં દાખલ કરવામાં આવ્યો હતો.