ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના મુદ્દે ઊભા થયેલા વિવાદના આશરે એક મહિના પછી ભારત કેનેડાના વચ્ચે વણસેલા સંબંધો સુધરી રહ્યાં હોવાના સંકેત મળી રહ્યાં છે. ભારતે ગુરુવાર, 26 ઓક્ટોબરથી કેનેડાના નાગરિકો માટે કેટલીક વિઝા સર્વિસ ચાલુ કરવાની જાહેરાત કરી હતી.
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ગંભીર આક્ષેપો પછી ભારતે કેનેડિયનો માટે વિઝા સર્વિસ સ્થગિત કરી દીધી હતી.
ઓટાવામાં ભારતના હાઈ કમિશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા માટે કેનેડાએ તાજેતરમાં કેટલાંક પગલાં લીધા છે. સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી 26 ઓક્ટોબર 2023ની અસરથી કેટલીક કેટેગરીઓ માટે વિઝા સર્વિસ ફરી ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે. આ કેટેગરીમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે. સ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય લાગે તેવા વધુ નિર્ણયો કરવામાં આવશે.
નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓટાવામાં ભારતના હાઈ કમિશન તથા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલને અસ્થાયી રૂપે વિઝા સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભારતના હાઇકમિશન અને કોન્સ્યુલેટ જનરલ ઇમર્જન્સી સ્થિતિનો હલ કરવાનું ચાલુ રાખશે.
જો કેનેડા તરફથી ભારતના રાજદ્વારીની સુરક્ષામાં પ્રગતિમાં થાય તો ભારત ખૂબ જ ટુંકા સમયમાં કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ ચાલુ કરવા માગે છે, તેવા વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનના થોડા દિવસો પછી ભારતના હાઇકમિશને આ જાહેરાત કરી હતી. જયશંકરે જણાવ્યું હતું કે ભારતે વિઝા સર્વિસ સ્થગિત કરી તેની પાછળનું મુખ્ય કારણ કેનેડામાં ભારતના રાજદ્રારીઓની સુરક્ષાની ચિંતા હતી અને ઓટ્ટાવા ભારતના અધિકારીઓને સુરક્ષિત વાતાવરણ પુરું પાડી શક્યું ન હતું. રાજદ્વારીઓની સુરક્ષા રાજદ્વારી સંબંધો અંગેના વિયેના કરારનું સૌથી મહત્ત્વનું મૂળભૂત પાસું છે. ભારતની તાકીદ પછી કેનેડાએ તેના 41 રાજદ્વારીઓ પાછા ખેંચી લીધા તે પછી વિદેશ પ્રધાને આ નિવેદન આપ્યું હતું.
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની કટ્ટરવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના કેનેડાના વડાપ્રધાન ટુડ્રોના ગંભીર આક્ષેપો પછી ગયા મહિના ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા હતા. નિજ્જરની હત્યા 18 જૂને થઈ હતી અને ભારતે તેને આતંકવાદી જાહેર કરેલો હતો. ભારતે ટ્રુડોના આરોપોને “વાહિયાત” અને “પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યા હતા. આ આક્ષેપોના થોડા દિવસો પછી ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી અને ઓટ્ટાવાને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા તાકીદ કરી હતી. ભારતે કેનેડાને તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો પણ અનુરોધ કર્યો હતો.