પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આશરે ચાર વર્ષ પછી શનિવારે વતન વાપસી કરી હતી. તેમના સ્વાગતમાં એરપોર્ટ પર તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા. શરીફના ભાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ શાહબાઝ શરીફે પણ કાર્યકરોને નવાઝ શરીફનુ ભવ્ય સ્વાગત કરવા માટે અપીલ કરી હતી.
શરીફ આગામી સામાન્ય ચૂંટણીઓમાં તેમના પક્ષનું નેતૃત્વ કરવા અને પોતાના માટે રેકોર્ડ ચોથી કાર્યકાળ માટેનો પ્રયાસ કરવા વતન પરત આવ્યાં હતા.સાઉદી અરેબિયામાં બે દિવસ વિતાવ્યા પછી શરીફ દુબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં પાકિસ્તાન પહોંચ્યાં હતા. માજી નાણાપ્રધાન અને પીએમએલ-એનના વરિષ્ઠ નેતા ઈશાક ડારે કહ્યું હતું કે પીએમએલ-એન સુપ્રીમો શરીફ લંડનથી દુબઈ અને દુબઈથી ઈસ્લામાબાદ સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા પહોંચ્યા હતા.
2019થી શરીફ લંડનમાં રહેતા હતા. ગુરુવારે પાકિસ્તાનની એક સ્થાનિક કોર્ટે નવાઝ શરીફની ધરપકડ પર રોક લગાવ્યા બાદ તેમનો પાકિસ્તાન પાછા ફરવાનો માર્ગ મોકળો થયો હતો શરીફ નવાઝને 2018માં કોર્ટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવીને જેલમાં ધકેલી દીધા હતા. એ પછી તેમને સારવાર માટે વિદેશ જવા માટે 2019માં કોર્ટે મંજૂરી આપી હતી. ત્યાર પછી શરીફ લંડનમાં જ રહેતા હતા.
1990માં તેઓ પહેલી વખત પાકિસ્તાનાન વડાપ્રધાન બન્યા હતાં. જોકે પ્રેસિડન્ટ ગુલામ ઈશાક ખાન સાથે ટકરાવના પગલે તેમને ભ્રષ્ટાચારના મામલામાં વડાપ્રધાન પદેથી હટાવી દીધા હતા. જોકે 1993માં સુપ્રીમ કોર્ટે ફરી તેમને વડાપ્રધાન પદે બહાલ કર્યા હતા. 1997માં તેઓ ફરી પાકિસ્તાના વડાપ્રધાન બન્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન કારગીર વોર થયુ હતુ. આ યુધ્ધના માસ્ટર માઈન્ડ ગણાતા આર્મી ચીફ પરવેઝ મુશરફે નવાઝ શરીફ પાસે સત્તા આંચકી લીધી હતી.