ભારતમાંથી નૈઋત્યના ચોમાસાએ ગુરુવારે સંપૂર્ણ રીતે વિદાય લીધી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ ૧૫ ઓક્ટોબર હતી, પરંતુ આ વર્ષે તેના ચાર દિવસ પછી વરસાદે વિદાય લીધી હતી. સામાન્ય રીતે કેરલમાં પહેલી જૂને ચોમાસાનું આગમન થાય છે અને 8 જુલાઇ સુધીમાં તે સમગ્ર દેશને આવરી લે છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસાની વિદાયની શરૂઆત ૧૭ સપ્ટેમ્બરે થાય છે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થાય છે.

ઇન્ડિયન મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી)એ જણાવ્યું હતું કે, “૧૯ ઓક્ટોબરના રોજ દેશના બાકીના ભાગોમાંથી નૈઋત્યના વરસાદે સંપૂર્ણપણે વિદાય લીધી હતી. ઉત્તર પૂર્વના ચોમાસાની ગતિવિધી આગામી ત્રણ દિવસમાં શરૂ થશે. જોકે, પ્રારંભિક તબક્કામાં તે નબળું રહેવાની શક્યતા છે.” ઉલ્લેખનીય છે કે, જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાની ચોમાસુ સીઝનમાં આ વખતે ૮૬૮.૬ મિમી.ની લાંબા ગાળાની સરેરાશ (એલપીએ)ની તુલનામાં કુલ વરસાદ ૮૨૦ મિમી. સાથે ઓછો રહ્યો છે.
અલ-નિનોની અસરને કારણે વરસાદ પર પ્રભાવ પડ્યો છે. વરસાદ લાંબાગાળાની સરેરાશના 96થી 104 ટકાની રેન્જમાં હોય તો સામાન્ય ગણાય છે. અલ-નિનોની સ્થિતિ હોય ત્યારે દેશમાં હવામાન સૂકું રહે છે અને ચોમાસુ પવનો નબળા પડે છે.

LEAVE A REPLY