અમેરિકાના પ્રથમ શીખ મેયર રવિન્દર એસ ભલ્લાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા સંખ્યાબંધ પત્રો મળ્યાં છે. ભલ્લા 2017માં ન્યૂ જર્સીના હોબોકેન સિટીના મેયર તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા. તેઓ 2021માં ફરી જીત્યા હતા.
તેમને કેટલાક લોકોએ ધમકી આપી હતી કે તેઓ તાત્કાલિક મેયરનું પદ નહીં છોડે તો તેમના પરિવારને પણ ખતમ કરી દેવામાં આવશે. ભારતીય મૂળના રવિન્દર એસ ભલ્લા અમેરિકામાં પ્રથમ શીખ મેયર છે. તેમણે મીડિયાને એક મુલાકાતમાં જણાવ્યું કે તેમને કેટલાક પત્રો મળ્યા છે જેમાં રાજીનામું આપવા અથવા મોતનો સામનો કરવાની ધમકી મળી છે. તેમનું કહેવું છે કે પત્ર લખનારે સૌથી પહેલા માત્ર રાજીનામાની માગણી કરી હતી. ત્યાર પછી ધીમે ધીમે તે ઉગ્ર બનતો ગયો અને હવે પત્ની અને બાળકો સહિત આખા પરિવારને મારી નાખવાની વાતો કરે છે.
તાજેતરમાં એક ત્રીજો પત્ર મળ્યો હતો જેમાં કહ્યું હતું કે તમને આ છેલ્લી ચેતવણી છે. અમે તમને, તમારા બાળકોને અને પત્નીને મારી નાખીશું. તેમણે કહ્યું કે તેમના પર અને તેમના બાળકો પર ગંભીર ખતરો છે. “મને સૌથી વધારે ચિંતા મારા બાળકોની છે. મેં મેયર બનવાનું પસંદ કર્યું છે, પરંતુ મારા બાળકો આવી વર્તણૂક માટે તૈયાર નથી. એક શીખ અમેરિકન તરીકે હું અમેરિકન હોવાના નાતે ગૌરવ અનુભવું છું. હું ઈચ્છું છું કે લોકો સાથે એક સરખો વ્યવહાર કરવામાં આવે.”
ભલ્લા ન્યૂજર્સીમાં ચૂંટાનારા પ્રથમ શીખ બન્યા હતા. તેમણે 2019માં પણ કહ્યું હતું કે તેમને અને તેમના પરિવારને મારી નાખવા માટે ધમકીઓ મળી રહી છે. રવિન્દર ભલ્લાએ કહ્યું કે અમેરિકામાં હજુ પણ કટ્ટરવાદના અંશ જોવા મળે છે. મારા શહેરમાં પણ આ કટ્ટરતા છે તે બહુ કમનસીબ બાબત છે. આપણે તેના વિશે વાત કરવી પડશે જેથી લોકોને ખબર પડે કે તેનો સામનો કેવી રીતે કરવો. તેઓ જાણે છે કે 9-11ના આતંકવાદી હુમલા પછી શીખ અમેરિકનોએ કેટલું સહન કરવું પડ્યું છે.