બ્રિટિશ કોલંબિયામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદની વચ્ચે કેનેડાએ કેટલાક ભારતીય શહેરોમાં વાણિજ્ય દૂતાવાસમાં અસ્થાયીરૂપે વ્યક્તિગત કામગીરીને સ્થગિત કરી દીધી છે અને અને વિઝા પ્રક્રિયામાં વિલંબની ચેતવણી આપી હતી. કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટેની એડવાઇઝરીને અપડેટ કરીને જણાવ્યું હતું કે બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ઉચ્ચ સ્તરની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હોવાની વિદેશ પ્રધાન મેલાની જોલીની સત્તાવાર જાહેરાત બાદ કેનેડાએ જણાવ્યું હતું કે બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈના વાણિજ્ય દૂતાવાસની સેવાઓને અસર થશે.
બીજી તરફ ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હી વિવાદ હોવા છતાં કેનેડામાંથી આયાત અથવા રોકાણને રોકવા માટે કોઈ પગલાં લાદવાનું આયોજન કરી રહ્યું નથી.
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્ટો અને હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચે સંભવિત જોડાણના વિશ્વસનીય પુરાવા હોવાનો આક્ષેપ કર્યા પછી નવી દિલ્હીએ ગયા મહિને ઓટાવાને તેની રાજદ્વારી હાજરી ઘટાડવા કહ્યું હતું.
નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશન અથવા એમ્બેસી તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈમાં કેનેડાના કોન્સ્યુલેટ જનરલ અસ્થાયી રૂપે વ્યક્તિગત કામગીરીને સ્થગિત કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં રાજદ્વારી સેવાઓ સામાન્ય રહેશે.
કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) વિભાગે જણાવ્યું હતું કે તે ભારતમાં કર્મચારીઓની સંખ્યા 27થી ઘટાડીને પાંચ કરી રહ્યું છે. તેનાથી વિઝા પ્રોસેસિંગ સમયની અસર થવાની ધારણા છે.
કેનેડાની કુલ વસ્તીમાં ભારતીય મૂળના લોકોની વસ્તી આશરે પાંચ ટકા છે. કેનેડામાંથી આવતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી આશરે 40 ટકા ભારતના છે.