હિલિંગ્ડનના હેયસ ખાતે એશિયન આફ્રિકન ફૂડ્સ લિમિટેડ દ્વારા ચલાવાતી આવેલી ક્રિષ્ના કેશ એન્ડ કેરીમાં ઉંદરોના ઉપદ્રવ અને સ્વચ્છતાની શરતોનો ભંગ થતો હોવાનું બહાર આવતા અને પ્રાણીઓને બિનજરૂરી પીડા પહોંચાડવાના આરોપ બદલ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કંપનીના ડિરેક્ટરને £80,000નો દંડ ચૂકવવા આદેશ અપાયો હતો.
ગ્રાહકો દ્વારા ખોરાકના અસ્વચ્છ સંગ્રહ અંગે ફરિયાદ કરાયા બાદ કાઉન્સિલની ફૂડ, હેલ્થ એન્ડ સેફ્ટી ટીમે જૂનમાં હેયસ દુકાનની તપાસ કરાઇ હતી. જે દરમિયાન, ટીમને ઇમારતની ગંદકી, ખાદ્ય પદાર્થો, માખીઓ, ઉંદરોની લીંડીઓ, મૃત ઉંદર તથા 36 કિલો જેટલી સડેલી માછલીઓ મળી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે બિઝનેસે સ્વેચ્છાએ સફાઈ અને સમારકામ માટે દુકાન બંધ કરવાનું પસંદ કર્યું હતું.
કંપનીના ડિરેક્ટર સાંતિરસેગરમ કેથીશ્વરને પોતાની નિષ્ફળતાની કબૂલાત કરતા એશિયન આફ્રિકન ફૂડ્સને £60,000, એનિમલ વેલ્ફેરના ગુના માટે £5,000 અને અન્ય £1,000નો દંડ તથા કાઉન્સિલને £11,296.75 ખર્ચ પેટે અને £190નો વિક્ટીમ સરચાર્જ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.